Sunday, 30 April 2017

ભેટ


          હમણાં એક દિવસ સવારે શાળાએ પહોંચી ઉપર ગેલેરીમાં ઉભી હતી. ત્યાં ત્રણ છોકરા હાથમાં પક્ષીના પાણીના કુંડા લઈને આવતા જોયા. મેં પૂછ્યું તો કહે, “ટીચર, કાલે તમે બચતબેન્કમાં જમા થયેલી અમારી બચતના પૈસા આપ્યાને.. તો અમે ત્રણ-ચાર છોકરા મળીને પક્ષીઓ માટે પાણીના કુંડા શાળાને ભેટમાં આપવા લાવ્યા છીએ.” મેં તેમને તે કુંડાઓમાં તેમના નામ યાદીરૂપે લખી નાખવા કહ્યું. તો કહે, “ના.. રે.. નાઆ.. ટીચર, પક્ષીઓ ક્યાં વાંચવા આવવાના છે અમારા નામ...? અમને તો બસ તેઓ આમાંથી પાણી પીએ એ જ ગમશે...” આ.. હા.. હા..!! તેઓ તો આવું બોલ્યા પણ મને તો કંઇક બીજું જ સંભળાયું.. કે,

“શ્રદ્ધાનો હો વિષય તો પૂરવાની શી જરૂર..?
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી..”

          મને ગઈ કાલનો દિવસ યાદ આવી ગયો. બચતબેન્કમાં ધોરણ-૬,૭ અને ૮માં જેને સૌથી વધુ પૈસા ભેગાં થયાં હતાં તેમને તેઓ ‘બાળ અંબાણી’, ‘બાળ અદાણી’ અને ‘બાળ ટાટા’ એવા નામથી સંબોધતા અને ખુશ થતા હતાં. આ રહ્યા એ ત્રણેય કુબેરો..

          પછી હું ક્લાસમાં ગઈ તો લલિત કંઇક કારીગીરી કરતો જોવાં મળ્યો.


          મેં પૂછ્યું તો કહે, “ટીચર, છાપામાં છપાયેલાં આ ચપ્પલ મને ગમી ગયાં તો આમાંથી કાઢીને આ ચપ્પલ હું તમને ભેટમાં આપું છું...

         બીજા બધા છોકરા હસી પડ્યા... પણ મને લલિત પર વિશ્વાસ બેઠો કે આ છોકરો નક્કી એવું કંઇક તો શોધશે જ... આપણે નાના હતા ત્યારે આવી ઘણી કલ્પનાઓ પર આપણને હસવું આવતું પણ એ બધી કલ્પેલી વસ્તુઓને આપણે  આજે નજરે નિહાળીએ છીએ અને માણીએ પણ છીએ. હમણાં એક દિવસ FACEBOOK પર એક પેઈજ પર એક ઈમેજ જોવા મળી..


            કેમ...? નથી માન્યામાં આવતું ને...? આ ઈમેજને તો હજારો લાઈક્સ ને કોમેન્ટ્સ પણ મળ્યાં હતા. પણ આ નાનકડા છોકરાને તો મારી એકની લાઈકની મહોરની જ જરૂર હતી. એની એ ભેટ સ્વીકારીને મેં તો તેને બી....ગ લાઈક આપી તેની ઈમેજીનેશનને વધાવી લીધી.
    
             પછી તો.. તેમનું આ શાળામાં છેલ્લું વર્ષ હતું તો ભેટોની આપ-લે થઇ.


           મારે પણ તેમને દર મહિનાની જેમ ભેટ આપવાનો દિવસ હતો. હા.. આ ધોરણ જયારે મારી પાસે આવ્યું ત્યારે ગેરહાજરીનું પ્રમાણ વધુ હતું. તો મેં તેમને રેગ્યુલર આવતા કરવા દર મહિનાના છેલ્લા દિવસે ભેટ આપવાની શરુ કરી. પણ... શરત એટલી કે જે છોકરો એક પણ દિવસ આખા મહિનામાં ગેરહાજર ન રહે તેને જ મળે. ભેટમાં તો હું તેમને માત્ર પાંચ રૂપિયાવળી નોટ જ આપતી. પછી તો... સંખ્યા વધી. નોટની ખરીદી પણ વધી... પણ.. પણ આ છોકરાંઓને પેટમાં બળ્યું કે આ.. તો ટીચરને ખર્ચ વધે છે. તો તેઓએ શું કર્યું ખબર છે..? તેઓ પાંચવાળી નોટ ચાર રૂપિયામાં મળે તેવી દુકાન શોધી આવ્યાં. અને આમ તેઓએ મને બચત કરાવી તેનો તેમને આનંદ થયો.. અને તેઓ બચતનું મહત્વ સમજતાં થયાં તેનો મને આનંદ થયો.


         આ મારા ક્લાસનો મહેન્દ્ર ઉર્ફે ‘મેંદો’. એને બધા ‘મેંદો’ જ કહે. મિત્રો... મેં આખા વર્ષમાં ૧૧ રજાઓ ભોગવી છે પણ આ છોકરો એક જ દિવસ ગેરહાજર રહ્યો છે. ખરેખર.. શિક્ષકના રૂપમાં રહેલા ‘મિસ્ટર ઇન્ડિયા’ ટાઈપ નફફટ કર્મચારીઓ કરતાં આવા છોકરાંઓને હું વધુ માન આપું છું. આમ નાની-નાની ભેટો આપી તેમને રેગ્યુલર શાળાએ આવતા કરવાની રીત મને તો ખૂબ ઉપયોગી રહી છે અને મને ખુબ ગમે પણ છે.

          એ દિવસે તેમણે મને આપેલી સરપ્રાઈઝ જોઇને મેં પણ તેમને કહેલું કે વર્ષના છેલ્લાં દિવસે હું પણ તેમને સરપ્રાઈઝ આપીશ. તેઓ રાહ જોવા લાગ્યા કે ટીચર શું આપશે.? અંતે છેલ્લા દિવસે રીઝલ્ટ અને સર્ટિની સાથે તેમના હાથમાં મેં ત્રીજી વસ્તુ પણ મૂકી.. અને તે એટલે અમારા બધાનો ગ્રુપ ફોટો.. ધાર્યા બહારની સરપ્રાઈઝ મળતાં તેઓ રાજી ના રેડ થઇ ગયા. મેં બરાબર માર્ક કર્યું કે બધા છોકરાઓએ તેમનું રિઝલ્ટ પછી.. તે પહેલા આ ફોટો જોયો. અને મેં તેમના ચહેરા પરના કેટલાં બધાં ભાવ વાંચ્યાં.

         આમ.. આ ત્રણ વર્ષ દરમિયાન તો અમે ઘણીબધી વાતો, વિચારો, યાદો, વસ્તુઓ વગેરેની ભેટ તરીકે આપ-લે કરી જ છે.. પણ મારે તમને વાત બીજી જ ભેટની કરવી છે. મેં આ છોકરાઓને વિદાય આપી જ નથી. આપી શકાય તેમ પણ નથી. અમે તો કોઈને કોઈ રીતે જોડાયેલા રહેશું જ. મેં તો આ 'ઉમદા ભાવિ નાગરિકો' ભેટમાં આપ્યાં છે... આ ‘સમાજ’ને.. દુનિયાનાં જે ખૂણે જાય, સમાજના જે વિભાગ સાથે જોડાય.. પણ મને ખાતરી છે કે મારા રોપેલાં નાના-નાના બીજ મોટા વૃક્ષો બની આ ‘સમાજ’ને છાંયડો જરૂર આપશે... તો.. આ રહી સમાજને મારી ભેટ...











17 comments:

  1. આજની બચત આવતી કાલે અંબાણી ટાટા અદાણી બનવાની પ્રેરણા બાળકોને ગળથુથી માં આપી.અભિનંદન સરકારી શાળાના શિક્ષકને.

    ReplyDelete
    Replies
    1. આભાર ઘુમાલિયા સાહેબ...

      Delete
  2. વાંચીને બહુ બધો હરખ આવે છે ખુબ આનંદ થાય છે.
    શબ્દોમાં નિચોવાયેલી લાગણી હ્રદય સુધી પહોંચી ગઈ.👍
    ભગવાનને એવી જ પ્રાર્થના કરું કે મને ભવિષ્યમાં નોકરી પણ તમારી શાળામાં જ મળે...😊👌

    ReplyDelete
  3. વાંચીને બહુ બધો હરખ આવે છે ખુબ આનંદ થાય છે.
    શબ્દોમાં નિચોવાયેલી લાગણી હ્રદય સુધી પહોંચી ગઈ.👍
    ભગવાનને એવી જ પ્રાર્થના કરું કે મને ભવિષ્યમાં નોકરી પણ તમારી શાળામાં જ મળે...😊👌

    ReplyDelete
    Replies
    1. આભાર નિરવભાઈ...
      હાહાહા... 😊 welcome..
      પણ હું પ્રાર્થના કરું કે તમને જ્યાં નોકરી મળે ત્યાં અત્યાર મુજબ જ ઓતપ્રોત થઈને કામ કરતા રહો...

      Delete
  4. Khub j saras. Anubhavo che aapna. Aa anubhav karva jevu saras kaam pan aap mathi prerna laine badha mitro kare evi antar thi ichha.... Ahiya anubhav ne share karva badal pan khub khub abhar.

    ReplyDelete
    Replies
    1. Aabhar bhai...
      Kaam karta rahie ane anubhavo melavta rahie... 😊

      Delete
  5. આ ગિફ્ટ વાળો આઈડિયા કરી જોઉં..એવું થાય છે ! હાજરી નિયમિત કરવાના બીજા ઘણા ઉપાય કર્યા.. સામાન્યપણે મને એમણે ગમે તો જ આવે એવી સ્થિતિ ગમે પણ તમારા અનુભવને આધારે નવા વર્ષે અજમાવી જોઈએ...

    ReplyDelete
    Replies
    1. હા.. રાકેશભાઇ.. ચોક્કસ અજમાવી જુઓ...
      ગિફ્ટવાળા આઈડિયાની સાથે અલગ અલગ બાળકો માટે હું પણ અલગ અલગ ટ્રિક્સ કરતી રહું છું... તમારી વાત સાચી મનથી જેમને આવવું છે શાળાએ એ તો વગર આપણા કાઈ કર્યે પણ આવવાના જ.. 😊

      Delete
  6. ખરેખર અનુકરણિય કાયૅ..

    ReplyDelete
  7. This comment has been removed by the author.

    ReplyDelete
  8. Khub khub Rajipo Ben. Hu pn aapni jem j mara std 4 na Bacchaone dar mahine bhet api ne emne regular kari sakyo 6u.

    ReplyDelete