Wednesday, 31 May 2017

ચિત્રડાયરી


          
          જયારે આ છોકરાને જોઉં ને ત્યારે ‘બુંદ જો બન ગઈ મોતી’ ફિલ્મનું ગીત ‘યે કૌન ચિત્રકાર હૈ.. યે કૌન ચિત્રકાર....’ યાદ આવે. હા... મને એમ થાય, ‘આ ઋત્વિકરૂપી ચિત્ર બનાવનારનાં મનમાં કાંઇક તો હશે... કાંઇક તો વિચારીને એને આ પૃથ્વી પર મોકલ્યો હશે... કાંઇક તો છે આ છોકરામાં...

        આ ધોરણ – ૮ નો ઋત્વિક. એક દિવસ શાળાએ આવ્યો ત્યારે દૂધની કોથળી લેતો આવ્યો હતો. શાળાએ આવીને સીધો જ ગ્રાઉન્ડમાં ભાગી ગયો. મેં પૂછ્યું તો કહે, “ટીચર, ત્યાં એક કૂતરી વિયાણી છે, તેના નાના નાના ગલુડિયા રમતા હોય છે, તેના માટે લાવ્યો....!” બોલો... આ છોકરાને જોતા જ ખબર પડી જાય કે તે કુપોષણથી પીડાતો હશે. શરીર સાવ હાડપિંજર જેવું લાગે, ઉભા ઉભા જ પડી જશે એમ લાગે. સાવ રોતલો, કાંઇ કહેવાઈ નહિ તેને... કાંઇ લખવાનું કે વાંચવાનું... કોઈ પ્રવૃત્તિમાં જોડાવાનું.... અરે, રમવાનું પણ તેને ગમતું નથી, જરાક ફોર્સ કરો તો તરત રડવા લાગે, પણ શાળા એ દરરોજ આવે હો... તે તો બસ શાંત ચિતથી બેઠો બેઠો બધું નિહાળ્યા કરતો જ હોય, પોતાનામાં જ મશગુલ રહે. ખાસ કરીને એના કંપાસબોક્ષમાં. આખો દિવસ એ કંપાસની વસ્તુ જ ગોઠવ્યા કરે. બોલપેન તોડે અને ફરી રીપેરીંગ કામ કર્યા કરે અને બીજું એનું કામ એટલે ક્યાંકથી કોઈ ચિત્ર હાથમાં આવે એટલે દોર્યા કરવાનું....

            આ દૂબળાપાતળા ડૂગલા જેવા ઋત્વિકનું હૃદય કેટલું વિશાળ છે, તેની એ દિવસે મને ખબર પડી.

            એ દિવસે ધોરણ – ૬ અને ૮ બંને ભેગા હતાં. છઠ્ઠા ધોરણમાં હિન્દી ‘યહ ભી એક પરીક્ષા’ નાટ્યપાઠની સમજુતી ચાલતી હતી. નાટક પૂરું થયું. પડદો પડ્યો. 

             મેં પ્રશ્ન પૂછ્યો, “નાટક જોયું ?”

             “હા...”

             “પડદો પડ્યો?”

             “હાઆઆઆ.....”

             “કેવો પડદો દેખાય છે?”

             તો કહે, “હેં..!!”

          પછી તો મેં ફરી વખત એ જ પ્રશ્ન પૂછ્યો, તો બધા એ લાલ, લીલો, પીળો, ઝરીવાળો, ડીઝાઈનવાળો વગેરે વગેરે જવાબો આપ્યાં. ત્યાં તો ઋત્વિકની આંગળી ઊંચી થઇ. તે બોલ્યો, “લોહીવાળો...!” આહાહા.....! કેટલી અલગ દૃષ્ટીથી મૂલવતો હતો આ છોકરો આ નાટકને !! 

          કોઈ પણ વસ્તુ, ધટના કે બનાવની આપણા ધાર્યા બહારની અસર પડતી હોય છે બાળકોના માનસ પર. એક દિવસ ધોરણ – ૬માં નેપોલિયન બોનાપાર્ટનાં જીવન પર આધારિત ચરિત્રપાઠનાં સંદર્ભમાં મેં એક પ્રશ્ન પૂછ્યો, “નેપોલિયન બચપન સે હી કૈસા ઇન્સાન થા ?” અમિતે જવાબ આપ્યો, “નેપોલિયન બચપન સે હી ‘આંતકવાદી’ થા.” !!! સત્યવાદીને બદલે આંતકવાદી બોલ્યો. આ શેની અસર હતી ખબર છે? ટીવી ન્યુઝની. નાનપણથી જ બાળકોને અપડેટ અને અપગ્રેડ કરવાની લાલચમાં આપણે (મા-બાપ કે શિક્ષકો) બાળકોને ટીવી ન્યુઝ જોવાની સલાહ આપીએ છીએ. આપણે ટીવીમાં ન્યુઝચેનલ ચાલુ કરીને સામે બેઠા તો હોઈએ પણ આપણું અડધું ધ્યાન તો કામ-ધંધા, ઓફીસ, રસોઈ વગેરેમાં હોય છે, જયારે આ બાળકો... એમનું મન-ચિત તો એલર્ટ જ હોય છે. અને આમ જ.... તેઓ મેચ્યોર નહિ પણ પ્રી-મેચ્યોર થઇ જાય છે. હરાખુડા મા-બાપ કે શિક્ષકો ભલે હરખાતા પણ મને તો આ સ્થિતિ ભયાનક લાગે છે. બાળકોને આકર્ષતી ટીવી સિરિયલ્સ શરૂઆતમાં તો બાળકો માટેની જ હોય પછી ધીમેધીમે લવસ્ટોરીઝ અને ફેમિલી ડ્રામા બની જાય છે. આવી રીતે બાળકો ઉમર પહેલા બધું શીખી જાય છે. એમાં કોઈ જ નવાઈની વાત નથી.

            ચોક્કસ... ટીવીમાં અમુક ચેનલ્સમાં બાળકોને લાયક ઘણા બધા સારા પ્રોગ્રામ્સ આવે જ છે. બાળકોને કાર્ટુન ( કે જેની મા-બાપને ખાસ ચીડ હોય છે) જોવા દેવા જોઈએ. તેમાં બાળકો કલ્પનાની રંગબેરંગી દુનિયામાં પહોંચી જતાં હોય છે.


             પણ ઋત્વિકની આ કલ્પનાશક્તિ મને ગમી ગઈ. ચિત્રો દોરવા તો તેને ખુબ જ ગમતા પણ તે ક્યાંકથી જોઈ જોઈને જ દોર્યા કરતો. આ અગાઉની પોસ્ટ ‘ડાયરી’માં લખ્યા મુજબ વર્ગના બીજા છોકરાઓ ડાયરી લખતા પણ ઋત્વિકને તે ગમતું નહિ અને તે લખતો પણ નહિ. તે તો માત્ર રીપેરીંગ કામ અને ચિત્રો દોર્યા કરવાનું કામ જ કરતો, પણ આમ, માત્ર જોઈ જોઈને જ ચિત્રો દોર્યા કરે એ મને થોડું ગમતું નહિ. તો તેની કલ્પનાશક્તિને ચિત્ર કામ સાથે જોડી મેં તેને ચિત્રડાયરી બનાવવાનું કહ્યું. દરરોજની કોઈ ઘટના કે જોયેલું કોઈ દૃશ્ય વર્ગમાં બેસી દોરવાનું. આશ્ચર્યની વચ્ચે.. તેને આ કામ ગમ્યું અને ખૂબ સુંદર ચિત્રો પણ દોરવા લાગ્યો. તેની ચિત્રડાયરીનાં થોડા ચિત્રો નીચે રજુ કરૂ છું. 


મોરબીમાં આવેલા પુલની  મુલાકાત


નગર દરવાજાની બજાર


ઘરપાસેનું દૃશ્ય


રેલ્વે સ્ટેશન પાસે આવેલ મંદિર


મિત્ર સાથે કેરી પાડવા ગયેલ વેળા 


            ખરેખર, માત્ર દેખાવને આધારે કોઈપણ વ્યક્તિને મૂલવવાના આપણા સ્વભાવ કે સમજને કારણે કેટલી બધી પ્રતિભાઓ કોઈનાં ધ્યાનમાં આવ્યા વગર જ ખોવાઈ જતી હશે. કોઈપણ સામાન્ય કે ‘નકામા’ લાગતા વ્યક્તિમાં કાંઇક તો ખાસ હોય છે. હકીકતમાં તો તેને ઓળખવામાં આપણે ‘નકામા’ સાબિત થતા હોઈએ છીએ.
“કુદરતકી ઇસ પવિત્રતા કો તુમ નિહાર લો,
ઇસ કે ગુણો કો અપને મનમેં તુમ ઉતાર લો,

ચમકાલો આજ લાલિમા અપને લલાટકી,
કણ કણ સે ઝાંકતી તુમ્હે છબી વિરાટ કી.

અપની તો આંખ એક... ઉસકી હજાર હૈ,
યે કૌન ચિત્રકાર હૈ... યે કૌન ચિત્રકાર..

Thursday, 11 May 2017

ડાયરી

          બીજા સત્રની શરૂઆતના એ દિવસે સવારે શાળાએ પહોંચી મેદાનમાં હું ઉભી હતી ત્યારે હંમેશ મુજબ પોતાની મસ્તીમાં લીન એવો અંકિત કંઇક ગણગણતો આવ્યો.



         છે ને !!! આવડાક અમથા છોકરાને પણ દેશ માટે કંઇક કરવું છે. એના આ વિચારોનું કારણ કદાચ વાંચન હોઈ શકે. આશરે લાઈબ્રેરીના ૪૦ જેટલા પુસ્તકો આ છોકરાએ વાંચી નાખ્યા છે. હવે એ બીજાઓથી કંઇક અલગ વિચારતો પણ થયો છે તે જાણીને મને આનંદ થયો. (જોકે મને તો... વાંચન ભલે ઓછું થાય પણ તેની અસર વિચારો પર થાય તે વધુ ગમે અને તે વિચારો અમલમાં મુકાઈને જીવન પરિવર્તિત થાય એ સ્થિતિ તો એથી વધુ ગમે.)

           જીવન પરિવર્તનનાં પહેલાં પગથીયાં સમા પુસ્તકો વાંચવા તો એમણે શરૂ કરી દીધા હતા, પણ આજે આ દેશને (કે કોઈપણ વ્યક્તિના અંગત જીવન માટે પણ) સારા વિચારો અને તેના અમલની જ વધારે જરૂર છે તેમ હું માનું છું.

        આજે આપણે કેટલાં બધા સામાજિક કાર્યકરો કે કથાકારોને સમાજ પરિવર્તન માટે મથતાં જોઈએ છીએ. સમાજને કેટલા બધા સમર્પિત થઇને તેઓ રહેતા હોય છે. તેમ છતાં પરિવર્તન ન થવાના કારણે જાહેરમાં તેમને તેમની મનોવેદના ઠાલવતાં જોઉં છું. તેઓ કાંતો યુવાનો અથવા વૃદ્ધોનાં વિચારો બદલવા કોશિશ કરી રહ્યાં છે. (કે જે અવળી દિશાની મહેનત છે, તેવું ‘મારા અનુભવો’ને આધારે મારું માનવું છે.) નાની ઉંમરથી જ સારા વિચારોનું સિંચન અને વિચાર પરિવર્તન મને જરૂરી, યોગ્ય અને સરળ લાગે છે, પણ...

“અલ્યા, કાગળ પર તો સૌ ચીતરી શકે,
હિંમત હોય તો ટહુકો દોર,તો સાચું કહું!!

           આ પંક્તિમાં દર્શાવ્યા મુજબ મારે માત્ર આ છોકરાઓના ‘વિચાર પરિવર્તન’ વિશે વિચારવાનું જ નથી, કંઇક કરવાનું પણ છે, હું શું કરી શકું ? મેં વિચારી લીધું.......  

            મેં શું કર્યું ?

         એ દિવસે એ નટખટ નખરાળા અંકિતની બાળસહજ પ્રવૃત્તિ જોઈને ધોરણ-૮ हिन्दी પાઠ-૧ “पत्र एवं डायरी” નો ‘ડાયરી’ શબ્દ મારા મગજમાં ઝબકયો... વર્ગમાં જઈને મેં તેમને આગળના દિવસની ઘટનાઓ લખવા કહ્યું, તેઓએ શું લખ્યું ખબર છે? ઉઠવું, નાહવું, ધોવું, ખાવું, પીવું, અને પાછુ સૂઈ જવું.... આમ તો, લગભગ એક અઠવાડિયા સુધી તેઓએ લખ્યું. પણ મેં તેમને ટોક્યા નહિ, અંતે આઠ દિવસ સુધી એકને એક લખ્યા બાદ તેઓ કંટાળ્યા અને તેઓએ ‘વિચાર્યું’ અને કહ્યું, “ટીચર, એકને એક લખવાનું ?” “મેં ક્યાં તમને એકને એક લખવાનું કહ્યું છે?” મેં કહ્યું. પછીના દિવસે લલિત એક વીરલો નીકળ્યો જેણે ડાયરીમાં લખ્યું.
લલિતની ડાયરી
      
          આ નાની એવી ઘટના વર્ગ સમક્ષ મેં વાંચી, બધાને મજા આવી... હસ્યા... પછી તો... બધા રોજેરોજ કંઇકને કંઇક અલગ અલગ વિચારવા, અનુભવવા, જીવવા અને લખવા લાગ્યા. તો જીવન(સમાજ) પરિવર્તનનાં હેતુથી, વિચાર પરિવર્તન માટે ‘ડાયરી લેખન’ શરૂઆતમાં સમય સારણી(ટાઈમ ટેબલ), પછી દિનચર્યા, ધીમે ધીમે ઘટના લેખન હતું, ત્યારબાદ તેઓ ડાયરીલેખન સુધી પહોંચ્યા છે. અમુક ડાયરીના પાનાં હું વાંચું છું તો મને તેમાં કોઈ ભાવિ લેખકનાં પણ અણસાર આવે છે. કોને ખબર એથી પણ આગળ વધીને આમાંથી કોઈ ફિલ્મ સ્ક્રીપ્ટ રાઈટર તરીકે પણ પ્રખ્યાત થાય! તેમની ડાયરીઓ વાંચીને હું ઘણી વખત ખડખડાટ હસી છું અને પોક મૂકીને રડી પણ છું. “ડાયરી લેખન”થી તેમની રોજબરોજની નાની-નાની ઘટનાઓને અલગ રીતે જોવાની શક્તિ તો પ્રગટી જ છે, પણ એ સાથે જ ‘મારા’ જીવન, વિચારો અને શિક્ષક તરીકેના તેમની સાથેના મારા સંબંધમાં પણ પરિવર્તન મેં અનુભવ્યું છે. તેમની ડાયરીઓના અમુક પાનાંઓ ( જોકે બધા જ વાંચવા જેવા  છે.) તમારી સાથે Share કરું છું.

ખિસકોલીનું અવલોકન

અંગ્રેજીમાં વાતું !!

ભૂલથી રવિવારે શાળાએ જવાનું હાસ્યાસ્પદ કારણ


શિક્ષક્ની કહેલી વાત પરથી પુસ્તક વાંચવાની પ્રેરણા

સર્જનાત્મકતા

પ્રાણી પ્રત્યેની સંવેદના

એક ઉગતા લેખકની શૈલી !

હાસ્યનું મહત્વ !

પોતાની સરખામણી પ્રાઈવેટ શાળાનાં બાળકો સાથે!

મારું સપનું અને દેશપ્રેમ !!