“હા, ખલીલ એવું કશું કરીએ સૌ ચોંકી ઊઠે,
થઈ શકે તો ચાલ પરપોટામાં ગોબો પાડીએ.”
- ખલીલ ધનતેજવી
બીજા ગ્રહ પરથી કોઈ પ્રાણી પૃથ્વી પર આવે, તો કેવું કેવું ફિલ કરે? – એ બાબતે તો કલ્પનાઓ કરી કરીને ફિલ્મો પણ બનાવી નાખી આપણે, પણ મને તો ‘એલીયન્સ’ની જેમ ટ્રીટ કરાતા પૃથ્વીવાસી બાળકોના નોખાં નહીં પણ અનોખાં જગતની લટાર માણવી ગમે. એવાં થોડાં અનુભવો આજે :
☺ “શાળા છૂટી ગઈ છે તોય, તમે બેય અહીં શું કરો છો ? અને આ ઝાડમાં શું જોતા’તા?”
“ટીચર, મમ્મી માર્કેટમાંથી શાક લઇને પછી તેડવા આવશે. ઝાડમાં જોવો.... એ એક પતંગ રહી... પણ ફાટી ગઈ છે.” નીચે ઊભા-ઊભાં જ ઉમરાના ઝાડના પાંદડા જરીક આઘા-પાછા કરવાની સ્ટાઈલ કરતાં બતાવ્યું.
“પતંગ સિવાય બીજું શું દેખાય છે?”
“પાંદડા, ડાળીઓ અને આ ગુંદા જેવા ઝૂમખાં...”
“મમ્મી આવે ત્યાં સુધીમાં ગણી નાખો જોઈએ કેટલાં છે?”
“હે..... હે.... પાંદડાં થોડાં ગણાય ?”
“એ... ના....ના.... હું તો આ ઝૂમખાંની વાત કરું છું.”
આટલું કહીને સ્કુટર પાસે જતી રહી. દુરથી જોયું તો ગણતાં હતા.
નજીક જઈ જેવી બ્રેક મારી કે, બે હાથ ને બે પગ પહોળા કરી ઉપર જોતા-જોતાં અડધા વૃક્ષ સુધી ચકેડી ફરી કહે, “આટલા સુધીમાં ૪૦ થયાં. ટોટલ કાલે કહેશું.”
☺ “ટીચર, હું શનિવારે નિશાળે કેમ નથી આવતો ખબર છે? હું ક્યાં ઠેઠ રવ છું. તડકામાં હાલીને જાવું પડે, કોઈ શનિવારે તેડવા ન આવે.”
“પણ... આજે તો રસ્તામાં કાંઇક મસ્તીનું થશે, તું જોજે.... સોમવારે મને કહેજે.”
સોમવારે એણે જે વર્ણન કર્યું એમાં ક્યાંય એને તડકો તો ન લાગ્યો અને એણે જે બધું વર્ણવ્યું અને જે થયું એ લખવા તો બીજી એક આખી પોસ્ટ થાય.
☺ માથે પહેરેલો હતો તોય એકના જેકેટનાં ટોપામાં શાહીના ડાઘ કોઈક પાડી ગયું. “ટીચર, આમ, કેમ થયું હશે ?” – એક અઘરો કેસ આવ્યો.
☺ બધા મધ્યાહન ભોજનમાં જમવા ગયાં. પણ એક અચાનક કૈંક વિચારતો માળીયા પર ચડ્યો, “જોવું છું આમાં શું છે? કેદુનો પ્રશ્ન થાતો’તો.”
☺ સવારમાં છાપાની કટકી લઈને આવીને બતાવી, “કાલે મમ્મી આ કાગળમાં વસ્તુ વીંટીને લાવ્યાં’તા. જોવો કોનો ફોટો છે? પૃથ્વીની બારે જાય એનો....”
☺ બે દિવસ શાળાએ ન આવ્યા પછી આવીને રાહુલ કહે, “મારા પપ્પા જાજા દિવસે ઘરે આઇવા’તા ને તો ન’તો આવતો.”
“હા ટીચર, એનાં પપ્પાને ત્રીસ પૈડાવાળો ખટારો છે.”
“એ...ના.... હવે, મેં કાલે જ ગૈણા’તા, ઇઠ્ઠાવી જ થાય છે.”
☺ “હે ટીચર, આ તમને બધા સર-ટીચરને આટલું બધું યાદ કેમ રહી જતું હશે?”
☺ “કાલે સાંજે અમારા ઘર પાસે ઉપર પ્લેન ગોળ-ગોળ ફરતું’તું, ક્યાંય સુધી.... ભૂલું પડી ગયું હશે ?”
☺ “આ પંખો પાંચ ઉપર સુધી જ કેમ ફરતો હશે?”
“ના. અમારે કાલે પાવર વધી ગ્યો’તો ને હેં.... તો સાત-આઠ સુધી પોંચી ગ્યો’તો.”
☺ “જોવો બધાય.... મેં ચુનામાં ત્રણ-ચાર વસ્તુ ભેગી કરીને વાઈટનર બનાવ્યું છે.”
☺ રોજે દસ મિનીટ અગાસીમાં પક્ષીનાં કુંડામાં પાણી નાખવા જઈએ ત્યારે.....
- “એ... ઓલી નાની ચકલી કેવો અવાજ કાઢે છે જોવો... આ પક્ષીઓને ગળામાં માયક હોતું હશે?”
- “બધા પક્ષી જુદું જુદું ઉડે હો....” કહીને જુદી જુદી રીતે ઉડીને દેખાડે. ઉડાઉડી.
- “કાગડાને ટકાની ચીડ હોતી હશે? જોજો ટકો જોવે ને એટલે તરત જ ચાંચ મારે જ...”
- “જો...વો.... ઓલું કબુતર... એક ને એક જગ્યાએ ગોળ ગોળ ફરે. સંસ્કૃતમાં ‘ગોળાકારં ભ્રામય તમ’માં આપણે ફર્યા’તા એમ જ...”
- પાણીના કુંડામાં પડેલા દાણાના અવશેષો પરથી નક્કી થાય કે એમણે આજ નાસ્તામાં શું ખાધું હશે? "હેં ટીચર, પક્ષીઓ ઈડલી પણ ખાય?”
- “જો જો હોં ટીચર, આ અગાસી તપી ગઈ છે ને.... થોડું પાણી નાખીશ ને તો, છમકારો થાશે! એવું કેમ થતું હશે?”
- બે ઉડતાં પક્ષીઓ બતાવતો, “જોવો... રેસ લગાડેલી છે.”
- “ઓલી બે ખિસકોલી છેક ડાળની ટોચ સુધી પહોંચી પકડા-પકડી કરે, તોય પડી કેમ નહી જતી હોય?”
- મોર પરિવારે છાપરાં પર લેન્ડીંગ કર્યું. જોવા ગયાં.
ત્યાં એક કહે, "જોવો..... ઓલા ઝાડ ઉપર કાગડા ઊગ્યાં !!"
- નજીકમાં જ રેલ્વે સ્ટેશન. ખબર જ હોય કે ત્રણ જ હશે તો યે રોજે ડેમુ ટ્રેનના ડબ્બા ગણવા જોઈએ. એ આશયથી કે ક્યારેક માલગાડી જોવા મળે.... અને મળી એક દિવસ... ત્યાં પહોંચ્યા અને મંડ્યા ગણવા; એક... બે... ત્રણ.... વીસ ડબ્બા ગણાયાં પછી કહે, “પાંત્રીસ ડબ્બાવાળી માલગાડી છે ટીચર.” “વીસ જ ગણ્યાં તો પાંત્રીસ કેવી રીતે થઇ ગયાં?” “જોવોને... કેવડી મોટ્ટી છે... આ જોતાં તો એમ લાગે કે પંદરેક ડબ્બા તો આગળ નીકળી ગયાં હશે!” – આવાં આવાં તો અનુમાન કરે
'સવાલ બાલ મન કે, જવાબ ડોક્ટર કલામ કે’ પાઠ સમજાવ્યા પછી એક દિવસ એવો નક્કી કરાયો છે કે, જેમાં એ લોકો સવાલ કરે અને મારે જવાબ આપવાના. શું પૂછાશે ? કેવું પેપર નીકળશે ?? બાપ રે.....
બધા એક સાથે જ આપણી સાથે વાતો કરતાં હોય. કહેવાતા ભક્તો એમનાં બહેરાં ભગવાન સાથે રાડો પાડીને વાતો કરતાં હોય જાણે. સવાલ મારો એ કે, મારાથી આ જે સરખામણી થઇ એ યોગ્ય ખરી???
વધુ એક સવાલ :
She : આપણે C.I.D. – CHILD Investigation Department માં કામ કરતાં હોય એવું નથી લાગતું ??
He : હમણાં ભલે ન કહું કે પરિણામ શું આવશે,
શબ્દોની બિછાવેલી જાલ છે, તું સવાલ ન કર.
‘કાતિલ’ કવિતા કરવાનું કોઈ કારણ ન પૂછશો,
ઈશ્વરે ઓઢાડેલી શાલ છે, તું સવાલ ન કર.
*(He = માસ્ટર મનન)
