“હવે વસંત કે ફૂલની પ્રતિક્ષા કોણ કરે?
હું મારા વ્હાલથી તારું વ્હાલ શણગારું.”
હા.. રમેશ પારેખની આ પંક્તિ જેવું થાય ક્યારેક. પણ છેક સુધી નક્કી જ ન થાય કે કોણ કોના વ્હાલથી કોને શણગારે છે: મારા છોકરાઓ મને કે હું એમને.
વાંકળિયા વાળ જેને વિશેષ શોભે છે એવો આકાશ (નામ બદલાવેલ છે) મહિના દિવસ પછી શાળાએ આવ્યો ત્યારે તેના ટકા પર ઝીણાં ઝીણાં કોટા ફૂટી ગયાં હતાં. આવતાવેંત હાથમાં રહેલી કોથળી બતાવતા કહ્યું, “આજે મારી મોટી બેન ગયાં ને મહિનો થયો. આટલી ચોકલેટો છોકરાવને વેચવામાં થઇ રે’શે, ટીચર?” “તું આપવાનું શરુ કરી દે પછી જોયું જાશે.”, મેં કહ્યું.
પોતાના વર્ગમાં આપ્યા બાદ બીજા બધા વર્ગોમાં આપવા ગયો. થોડીવાર પછી દોડતો, હાંફતો આવતા બોલ્યો, “થોડીક ઘટે છે.” “ઉભો રે, મારા પર્સમાં જોઉં. હશે કદાચ..” ત્યાં તો બધાએ ગણવાનું શરુ કર્યું, “એક... બે... ત્રણ.. ચાર.. પાંચ..” પાંચ નીકળી. “હેં ટીચર, પેન્સીલું તો તમારા પર્સમાં ઉગે જ છે.. ચોકલેટુય વાઈવી છે..!”, એકે હળવી મજાક કરી. વળી આકાશ આપવા ગયો. આ વખતે પણ ઘટી. પાછો આવ્યો. “હવે છે, ટીચર?” પર્સ ફંફોસાયુ પણ ખાલી હાથ ન નીકળ્યો. “લે.. સામેની દુકાનેથી ખરીદી લાવ હવે.” તો દસની નોટ બતાવતા બોલ્યો, “પૈસા તો છે મારી પાસે. હું લઇ આવું છું.”
ખરીદી, બાકીના છોકરાઓને આપી આવ્યા પછી ત્રણ બચી હતી. તો એને મને પાછી આપતા કહ્યું, “લ્યો.. આ તમારા પર્સમાં રાખો. પણ આ કો’કના ‘જન્મદિવસ’ના કામમાં આવે એવી પ્રાર્થના કરું છું.” અને મારાથી રડાઈ ગયુ. અને એ તો રાહ જ જોતો હતો. એનેય રડવું હતું મારી પાસે.
ત્યાં બીજા છોકરાઓએ વાતાવરણ હળવું કરવાં કહ્યું, “જો.. આકાશ, આપણે લેપટોપ જોવું હતું ને..? તું ન’તો આવતો ને, તો અમે તારી રાહ જોતાં હતા.” આકાશની આંખ ચમકી. “હા.. તે જ તો જીદ્દ કરી હતી કે ગયાં વર્ષના છોકરાઓને તો તમે લેપટોપ બતાવ્યું’તું.. તો અમારેય જોવું છે.”,મેં કહ્યું. “હા, તો કાલે જ લઇ આવવું પડશે.”, હક જમાવતો આકાશ બોલ્યો.
ખરેખર, શિક્ષક-વિદ્યાર્થીની સાથે-સાથે બીજા સંબંધોય અમારે જયારે જયારે જીવવાના થાય ને.. મને તો એ જ જીવનની સૌથી મોટી સંપત્તિ લાગે. આવી અમીરાત મને ઘણી વખત ફીલ થાય.. ક્યારે ક્યારે..?
- “ટીચર, આજે આપણા ક્લાસમાં પ્રાર્થના પહેલા દસ અમે અને એક તમે.. એમ કુલ અગિયાર હાજર હતા.” આમ પોતાની તોફાની ટોળકીમાંની જ એક મને પણ માને ત્યારે...
- “જોવો ટીચર, આ મેં પ્લાસ્ટીકના ડબ્બામાં સંચો એવી રીતે ચીપકાવ્યો છે કે અણી કાઢીએ તો કચરો બહાર ન ઢોળાય અને ડબ્બો મોટો છે એટલે વારે વારે કચરો ફેકવા પણ ન જવું પડે.” કોઈપણ નાનામાં નાની પણ મહત્વની કારીગીરી વર્ગ સમક્ષ ખુલ્લી મુકવા માટે ટીચર દ્વારા ઓપનીંગ કરાવવામાં આવે ત્યારે...
- હાથની આંગળીઓ ઢંકાઈ જાય એવડું ટી-શર્ટ અને ‘નવા જેવું’ પેન્ટ, એમ પોતે પહેરીને આવેલી પેઈર બતાવતા એકે પૂછ્યું હતું, “ટીચર, આ મારા બાના શેઠાણીએ આઇપા. લગનમાં હમણાં જવાનું છે તો હાલે કે નૈ..?” એમની આવી કોઈપણ બાબતમાં મારી સહમતી ભેળવેને ત્યારે ત્યારે...
બીજા દિવસે મારે લેપટોપ લઇ જવાનું હતું. સવારે શાળાના ગેઇટમાં હું ને આકાશ સાથે જ પ્રવેશ્યા. “લે.. આ ક્લાસમાં લઇ જા. હું હમણાં આવું છું.”, મેં કહ્યું. થોડીવાર પછી ક્લાસમાં ગઈ તો ખભ્ભે બેગ લટકાવેલું અને કવર સહિત હાથમાં લેપટોપ પકડીને ઉભો હતો.
“ટેબલ પર રાખી દેવાય ને..?”
“નાં.. હો.. ટીચર, આપણે ક્યારેય ઉપાઈડું નથી. મુકવા જતા તૂટી બૂટી જાય તો..?”
પછી તો બધા આવ્યા ને કેટલાંય સવાલો, જવાબો, માહિતીઓ, જોક્સ વગેરે લેપટોપ આધારિત બાબતોની લેવડ દેવડ થઇ.
- “આમ કમ્પ્યુટર જેવું જ ને પાછું જુદું હોય, કાં ટીચર..?”
- સ્ક્રીન બેકગ્રાઉન્ડમાં કૃષ્ણનો ફોટો બદલી, તેમનો તાજો જ કૃષ્ણ સાથે પાડેલો ફોટો સેટ કરતાં શીખ્યા. એ બાબતે કોઈ જાદુ થયા જેવો માહોલ થયો.
- “ટીચર, મારા પપ્પા ભેગો હું બેંકે ગયો’તો ને હેં.. તો પૈસા ગણાઈ જાય એવું થાતુ’તુ.. તો આમાં હું આ બે પડ વચ્ચે પીછું મૂકી દવ તો તેના પાંખીયા ગણાઇ જાય..?”
- એકને આ બધી બાબતોમાં વધુ રસ ન પડ્યો તો, “આજે બહુ મજા નો આવી હોં..” – એવો છણકો કરી, ઠઈડાઈને બીજાથી ઊંધો બેસી કાંઈક લખવા માંડ્યો.
સવારે જેની ખુબ કાળજી લેવાતી હતી, છૂટતાં સુધીમાં તો એ વસ્તુની ઝપાઝપી શરુ થઇ ચુકી હતી.
પણ... પણ. જતા જતા આકાશે એક એવો સવાલ પૂછી નાખ્યો કે અત્યાર સુધીના હવામાં ઉડતા મારા વિચારો જાણે સાચે જ ઉડી ગયાં. મને આપણી, આપણા સમાજની ચીંથરે હાલ અ-મિરાતનો અહેસાસ થયો. એક સવાલથી બે ઘડી તો એણે મને એનાથી સાવ જુદારો જ વર્તાવી દીધો.
“હેં.. ટીચર, લેપટોપ ખરીદી શકો એવા છો તોય અમને ગરીબના છોકરાવને ભણાવવા શું કામ આવો છો?” !!
એને શું ખબર કે તેમની પાસે કયો ખજાનો છે? ને રોજ ટીચર એમાંથી કેટલોય લૂટી જાય છે..! જુદી-જુદી ચાર-પાંચ જગ્યાએથી ‘રૂપિયા’ની આવક માટે દોડતા આપણને ‘એનો આ સવાલ સ્વાભાવિક જ હતો’ એ સમજતા વાર લાગે જ. એમાં કોઈ નવાઈ નથી.
“તારા આ સવાલનો જવાબ હું કાલે આપીશ, આકાશ..”, આવું મેં કહ્યું પણ હું શું કહીશ?- એ મને ખબર નહોતી. કાંઈક સૂઝશે એમ વિચારી શાળા છૂટ્યા બાદ હું એમનાથી છૂટી પડી, જુદી નહિ.
અને એને રાતોરાત ખરો અમીર બનાવી દેવાનો એક ઉપાય સૂઝ્યો પણ ખરો.
બીજા દિવસે સવારમાં પક્ષીના પાણીના કુંડામાં પાણી નાખવા ગયાં ત્યારે ‘આજનો અમીર’ એવી રમત રમાઈ. સાવ સહેલી રમત. કરવાનું શું? મોટા કુંડા પાસેથી થોડાં અંતરે નાના બે કુંડા પાણીના ભરી મુકવા જવાના. બસ. પણ શરત એટલી કે પાણી ઢોળાવું ન જોઈએ. એક વિડીયો શૂટીંગ ઉતારે અને બે ઢોલકા વગાડે. બીજા નાચે. પૂરે-પૂરાં ડીસ્ટર્બ કરવાના. આ તો ‘બેલેન્સ રાખવાની રમત’ હતી. જેના કુંડાનું ટીપુંય પાણી ન ઢોળાય એ ‘આજનો અમીર’.. પછી તો રોજ જુદા-જુદા અમીર બને. આજે એક અમીર તો કાલે બીજો. અને આકાશે પુછેલા સવાલનો જવાબ બધાને મળ્યો કે “જીવનની કોઈપણ પરિસ્થિતિમાં બેલેન્સ ગુમાવ્યા વગર જે જીવી શકે ને.. આપણા મતે તો એ જ અમીર.”
આખેઆખા ‘સમાજની કહેવાતી વ્યવસ્થા’ બદલવા કરતાં અમુક શબ્દોની વ્યાખ્યાઓના અર્થ બદલી આપણી ‘માનસિક અવસ્થા’ બદલવાનો ઉપાય મને તો મારા જીવનમાં ઘણી જગ્યાએ ઉપયોગી રહ્યો છે.
‘તને આ જિંદગી જેવા જવાબ આપીને,
નજીકથી તેં કરેલો સવાલ શણગારું.”
- રમેશ પારેખ







































