Sunday, 18 February 2018

ઠંડી


"ટીચર, કાલે સાંજે તો મારા મમ્મીએ સાવેણીથી મારી પૂજા કરી નાખી." 

ધાબા પર પક્ષીના કુંડામાં પાણી નાખવા જતા રસ્તામાં આ વાક્યથી શરૂ કરીને પોતે શું કાંડ કર્યું, કેવી રીતે મમ્મીની ઝપટમાં આવી ગયો અને રણચંડી બનેલી એની મમ્મીના (મેં નથી જોયા તો પણ) રૌદ્ર સ્વરૂપના આબેહૂબ મને દર્શન થઈ ગયા.. એવું વર્ણન કર્યું. 

એનું મમ્મીપુરાણ ચાલુ હતું ત્યાં મારું ધ્યાન એક છોકરાના પગ તરફ પડ્યું. એ કારીગર આજે પેન્ટના પાંયચા મોજામાં ભરાવીને આવ્યો હતો. મેં પૂછ્યું તો કહે, "ટીચર, ઠંડી લાગતી'તી ને હેં... તો મારા મમ્મીએ કીધું... કે મોજામાં પેન્ટનું ઇન મારી દે.." 

'માતૃ દેવો ભવઃ' મનોમન માતૃ વંદના કરતી હું જતી હતી ત્યાં અમારુ ધ્યાન પાણીના કુંડામાં ભીંજાઈને ઉડીને છાપરા પર જઈ બેઠેલા કબૂતર પર ગયું. 

"એને ઠંડી લાગતી હશે કે નૈ?",મેં પ્રશ્ન પૂછ્યો. 
તો એક બોલ્યો,"ટીચર, એની ખબર નથી.. પણ મને જાજી ઠંડી લાગે છે આજે." 
પછી ખબર પડી કે મમ્મીએ સ્વેટર ધોયુ હતું અને સુકાય એ પહેલાં જ ઠઠાળીને આવ્યો હતો. 

ત્યાં જ ટોળું વીંધીને એક છોકરો પોતાની બંડી કાઢી તલવારની જેમ હમણતો બોલ્યો, "જો બંડી પહેનતે હે, ઉસે ઠંડી નહીં લગતી." રામ જાણે કયો શૂરવીર સળમાં આવી ગયો હશે. પણ ધરમ કરતા ધાડ પડી હોય તેમ તેના આ કૃત્યથી પવન વધુ લાગતા ઠંડી વધી. 

"એક કામ કરો ટીચર.. અમને જોગિંગ દોડાવી નાખો... એટલે આની ઠંડી ઉડી જશે." એ સજેશન કામ આવી ગયું. એક ને પગમાં દુઃખતું હતું તો ખળી ગયો. બીજો પણ ન ગયો. મેં પૂછ્યું તો કહે, "ટીચર, આને કાંઈ ટાઢ કેવાય? ઘરનું કમાડ વસાતુ નથી ને તો આના કરતાં રાતે મને જાજી ટાઢ વાય છે.." ! 

અને મારી ઠંડી ઉડી ગઈ... 
તને તો આવડે છે ઠંડી, ઠંડી આગ થઇ જાતાં, 
મને છે મૂંઝવણ કે, આંખનું જલ થાઉં તો સારું ?! 
- ‘શેખાદમ આબુવાલા’

સમસ્યા-ઉકેલ


જેટલું પાસે છે કાળું પાટિયું,
એટલું આકાશ આઘું થાય છે.

- પ્રણવ પંડ્યા 

સવારમાં જ વાંચવામાં આવેલી આ પંક્તિને મમળાવતી હું શાળાએ પહોંચી.. ત્યાં..
નિલેશ : ટીચર, આજે અમારા ટીચર નથી અને ૮માં વાળાના ય સાઈબ નથી તો તમારે અમને લેવાના થશે. આવી વાત થતી'તી ત્યાં.. "ક્લાસમાં મારુ બનાવેલું ઝુમ્મર તૂટી ગ્યું છે..", "ઓલા એ મને આમ કીધું.." વગેરે વગેરે સંભળાયું..
અરર.. આટલા ડખ્ખા, આટલી ફરિયાદો.. આવતા વેંત!


પછી પ્રાર્થના પૂરી થયા બાદ વર્ગમાં લશ્કરની ઘુષણખોરી થઈ.
"આજે ત્રણેય ધોરણ છે તો શું કરાવશો?"
"શું કરાવું?"
-હવે 'મહાભારત' ની વાત અધૂરી છે એ પુરી કરો 'તો તમારી મહેરબાની'..! (મારા જ શબ્દોમાં એ બોલ્યો..) એની વાતમાં અસહમતી દર્શાવતા એકે કહ્યું, "ના. ટીચર, અમિત હજી નથી આઇવો.. એનેય મહાભારત સાંભળવી છે તો પછી કેજો.."


આવા કેટલાય.. ‘સજેશનો’ની વચ્ચે "ઓર્ડર..ઓર્ડર.." એવું સંભળાયું.. "મને ખબર છે તમે બીજું જ કંઈક કરાવશો. તમે જ કહી દો.."
"મારે તો આજે તમારા બધાની શાળાને લગતી સમસ્યાઓ જ સાંભળવી છે, એય 12:30 એ છૂટીએ ત્યાં સુધી.."
થોડીવાર તો માન્યામાં ન આવ્યું તો ડોળા ચક્કર વક્કર થયા. પછી તો જે.. બમબારી શરૂ થઈ.. કે એ 20 મિનિટ સુધી ચાલી. પૂરું હવે થાકી ગયા. બસ આટલી જ સમસ્યાઓ..!


"હવે આ બધામાંથી આજે ને આજે, તમે ને હું મળીને ઉકેલી શકીએ એવું એક લિસ્ટ બનાવડાવો.", મેં કહ્યું.

"ટીચર, લાયબ્રેરીના પુસ્તકો આડા અવળા થઈ ગ્યા છે તો જે પુસ્તકો જોઈએ એ મળતા નથી."
"ક્યારા તૂટી ગયા છે."
"ટીચર, નાના છોકળા ચપ્પલ આડા અવળા મૂકે છે એટલે ક્યારેક ઊંધા પે'રીને ફરતા હોય છે.", આવું એક છઠ્ઠા ધોરણના મોટ્ટા અવલોકનકારે કહ્યું.


પછી ગૃપ પ્રમાણે લાગી પડ્યા બધા સમસ્યા ઉકેલમાં..

"બારે નીકળ એટલે હું તને જોઈ લઈશ.." જેવા વાક્ પ્રહારો થી એકબીજાને પીડતા બે જાની દુશ્મનો.. બાજુ બાજુમાં ઈંટો મૂકીને ક્યારો બનાવતા દેખાયા..



લાયબ્રેરીના પુસ્તકોની સાથે એકે પોતાનું દફતર પણ સાંધી લીધું. 



"આ કણચી (!) ના બી છે, ટીચર. મારા ઘરપાસે મેં ખોસ્યું'તું ને.. તો આજે મારા જેવડું થઈ ગ્યુ છે.", 
એેકે મને સમજૂતી આપી.



આમ, જે ધાર્યું ન'તું એવું પણ ઘણું થયું. ફ્રી થતા ગયા એમ વૃક્ષ નીચે બેસતા ગયા.







"ટીચર, હવે?"
"હવે ચાલો ક્રિકેટ રમીએ."
"હેં.. 'દળા-બેટ' રમાળશો..!?!"



પછી તો છેલ્લી કલાક શું રમ્યા હો..
એક પાક્કો ખેલાડી ક્યારનો બેટિંગ કરતો હતો. Out થઈને બેઠો.. "હાઈશ, ભગવાન..", બોલ્યો ત્યાં umpire દ્વારા not out ની ઘોષણા થઈ.. હે, ભગવાન..

અમુક ફિલ્ડિંગ ભરતા ભરતા પતંગિયા પકડતા હતા. 




જાજા છોકરા હોવાથી ફિલ્ડીંગમાં પોતાની પાસે દડો આવતો નથી એવી ફરિયાદ કર્યા વગર.. બે છોકરા ખિસ્સામાંથી બીજો દડો કાઢી ફિલ્ડિંગ ભરતા ભરતા કેચું-કેચુંની પર્સનલ રમત રમતા હતા... નાની નાની સમસ્યા, નાના નાના ઉકેલ..

આવું અવલોકન થતું હતું ત્યાં જ મારી નજીકમાં રહેલો સાવન પોતાનો ગાલ બતાવતો બોલ્યો,
"જોવો ટીચર, મારા ગાલ ઉપર એક ટીપું પડ્યું.."
અમે ઉપર જોયું..
દૂ...ર ઉડતાં એ વાદળે શું નીચું આવીને અમારા હરખમાં ભાગીદારી નોંધાવી હશે..!



મને સવારની પંક્તિ યાદ આવી..

ઐસા ભી કભી કભી હોતા હૈ

-સવારમાં એક હાંફતો આવતા બોલ્યો, "લે.. ટીચર, તમે આવી ગ્યા? તમારી પેલા નિશાળે પોંચવું'તું.." મારી જાણ બહાર જ મારી સાથેની એની રેસની મને જાણ થઈ.

-"ટીચર, અમારા ઘર પાસે એક છોકરો ર્યે છે ને.. ઇ કેવો હોસીયાર છે ખબર છે? ગમે તે ગીત વગાડો ને તો ય A.B.C.D. પિચરનો ડાન્સ કરી દ્યે..", બે'ક સ્ટેપ કરીને બતાવતો બોલ્યો. પછી બીજા પણ નાચવામાં જોડાયા. એક જુદું કરતો તો.. પૂછ્યું તો કહે, "મારી બેનના લગન છે હમણાં તો પ્રેક્ટિસ કરું છું."


-એક ઊભા ઊભા બોર્ડમાંથી જોઈ જોઈને લખતો હતો. કહ્યું, "બેસી જા ને.."
"ઊભા ઊભા જ મજા આવે છે.. બેઠા બેઠા ગળું દુઃખી જાય છે." શર્ટના પાછળના કૉલર પાસે હાથ મુકયો એને એ હું જોતી રહી ગઈ.


-"ટીચર, કાલે હું નોતો આઇવો તોય મને ખબર છે. આનંદ ને તૈયબ બાજીને આઇવા તો તમે એને બાજુ બાજુમાં બેસવાની સજા આઈપી તી ને...", અંતરયામીની અદાથી પંકજ બોલ્યો.


-કાળા, ભૂખરા, રંગબેરંગી પીંછાં હતા. મોરપીંછની બાજુમાં એક આખું સફેદ પીછું દેખાયું.. "આ ક્યાં પક્ષીનું પીંછું છે?", 'ફેધર સ્ટીકીંગ પ્રોજેકટ' જોતા જોતા મેં પૂછ્યું.
તો કહે, "ટીચર, અમારી બાજુ વાળાએ બે કૂકડા પાળ્યા છે તો એને પૂછીને એક કૂકડામાંથી ખેંચતો આઇવો.."


-શિશુપાલ વધની વાત ચાલતી હતી.. મસ્ત માહોલ જામ્યો તો, કૃષ્ણના હાથમાંથી ચક્ર છૂટીને શિશુપાલનો વધ થવાનો જ હતો.. ત્યાં....
"ઘરર ઘૂસ.. ઘરર ઘૂસ......", બેકગ્રાઉન્ડ મ્યુઝિક સંભળાયું.
જોયું તો.. મને રાત્રેય ન આવે એવી ઘસઘસાટ ઘોરવાની શરૂઆત કરી હતી એકે.
અમારા બધાથી એક સાથે હાસ્યની પોક મુકાઈ ગઈ.. તો આંખ ચોળતો બોલ્યો, "મસ્ત રાત જેવું શાંત વાતાવરણ જાઇમ્યુ તું.. ને બે દિ થી લગનમાં ગ્યો તો ને.. સવારે ઉઠાતું નો તું.. તોય મમ્મીએ પરાણે મોકલ્યો તો.. ટીચર..."
ત્યાં એકે એને ઠપકો આપતા નિખાલસ કબૂલાત કરી, "કાકા, તારી રામાયણમાં મને જે સીસુપાલ દેખાયો તો એ જીવતે જીવતો ભાગી ગ્યો......"


હાં.. હાં.. ઐસા ભી કભી કભી હોતા હૈ...

આ બધાની સાથે સાથે without planning એક પ્રવૃત્તિ પણ કરાવડાવી એ લોકોએ હો.. બન્યું એવું કે.. "ટીચર, કાલે ઘરે જાતા તા ને હે... તો રસ્તામાં પૈસા મૈળા. તો વિચાર આઇવો કે માચીસ લેતા જાઈ. કાલે ટીચરને કે'સુ કે નેટમાંથી દિવાસળીવાળા ચિત્રનો ફોટો બતાઈવોતો ને.. એવું કરાવે.."

આ..હા.હા...









જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને.
- મનોજ ખંડેરિયા

Saturday, 17 February 2018

શોધ-ફોળ

        ‘મેરા જૂતા હૈ જાપાની’ ગીતમાં સાપ પાછળ પડતાં રાજ કપૂર જે સ્ટાઈલથી દોડતો ભાગે છે એવી જ કંઇક સ્ટાઈલ, જેવી હું સવારમાં શાળાનાં પગથીયાં ચડી તો એક છોકરો કરતો દેખાયો. પૂછ્યું તો કહે, “આ ટાઈલ્સ ગણું છું, ટીચર” તેની સાથે ગણતરી કરતાં કરતાં હું વર્ગમાં પહોંચી.... તો જેટલા શાળાએ પહોંચી ગયા હતાં એ બધા દિવાલમાં લગાવેલ ટી.વી. પર નવી ચેનલ ચીપકાવવામાં મશગુલ હતાં. હા.... ચીપકાવવામાં....... બન્યું એવું કે...... 

        પ્રથમ સત્રમાં ધોરણ-૬ અંગ્રેજીમાં ‘તમારા ઘરના સભ્યો ઘરેથી બહાર જતી વખતે, કેવી કેવી વસ્તુઓ સાથે લઇ જવાનું ભૂલી જાય છે? લીસ્ટ બનાવો’ અંતર્ગત રૂમાલ, ચાવી, પેન વગેરેની સાથે સાથે વિમલ, માવા, પાન, પણ પપ્પા ઘણી વખત ભૂલી જાય છે, એમ પણ ઉમેરાયું. વાતમાંથી વાત થતાં : “ટીચર, પપ્પા માવો લેવા મોકલે અને લઇ આવીને... ચખાડે પણ ખરાં...” “મમ્મી, સોફ્ટી ખાયને એમાંથી હુંય ભાગ પડાવું....” વગેરે જેવાં રહસ્યો પણ ખુલ્યાં. ન ખાવા માટે સમજાવવાના થોડાં પ્રયત્નો મેં કર્યા. 

      થોડાં દિવસ પછી ધો.૮ના હિન્દીમાં ‘યદી ભગવાન આપસે મિલે તો ક્યા માંગોગે?’ એક પાઠના સ્વાધ્યાયમાં આવતાં પ્રશ્નની ચર્ચા થતી હતી. બાળસહજ માંગણીઓ થતી હતી, વારાફરતી બધાં બોલતાં હતાં. એકે કહ્યું, ”ટીચર, ઇન સભીને માંગા વો મુઝે ચાહિયે, પર યદી વો મેરે પાપાકો મુઝે વાપસ લૌટા દે, તો મુઝે ઔર કુછ નહી ચાહિયે.” છેલ્લું વાક્ય બોલાતી વખતે આંખોમાં ઝળઝળિયાં સાથે બેંચ પર આંખો ટેકવી બેસી ગયો. વાતાવરણ સ્તબ્ધ. પણ થોડી વારમાં બીજા બધાં સ્વસ્થ થયા અને એકે મને પૂછ્યું, “ટીચર, તમે શું માંગો?” 

         કોઈ જ મોટી મોટી ફિલોસોફી હાંકવાનો એ સમય કે સ્થળ જ ન્હોતું. “હે ઈશ્વર, જયારે તું કોઈક વ્યક્તિ કે વસ્તુને લઇ લે છે અને પછી કોઈ ને કોઈ સ્વરૂપે આવીને તું, એના બદલાની હાજરી પુરાવે છે ને એ પુરાવતો રહેજે.....” એક બે પ્રસંગ સાથેની આ વાક્યની રજૂઆત કરતી વખતે પેલાં છોકરા સામે હું જોતી હતી. નીચી નજર સાથે પણ એનાં નેણ ઊંચા થતાં મેં જોયાં. 

         એ છોકરાંને મારા જવાબથી ભલે સંતોષ થયો, પણ મારી અકળામણ વધી જયારે મને ખબર પડી કે, પાન, માવા, મસાલા અને અંતે કેન્સરે એના પપ્પાનો ભોગ લીધો છે. 

         પછી તો એમને કેવાં-કેવાં વ્યસનો છે, એ પૂછ્યું, તો રખડવાનું, ટી.વી., મોબાઇલ, મસાલા વગેરેની ખબર પડી. “ટીચર, આ બધી આદતો છોડવી તો છે, પણ છૂટતી નથી.......” વગેરે ચર્ચાઓ થઈ. સમજાવીએ તો સમજી તો જાય, પણ....... 

  તબીબો પાસેથી હું નીકળ્યો દિલની દવા લઈને, 
જગત સામે જ ઉભું હતું દર્દો નવાં લઈને

        બેફામ સાહેબની આ પંક્તિ જેવી પરિસ્થિતિ થાય ત્યારે, જરૂરત હોય છે, જાત ને બદલવાની. હવે સમય હતો રડતાં અને જીદ્દી બાળકનાં હાથમાંથી કોઈ અણીદાર વસ્તુ લઇ અને એક રમકડું થમાવવાનો. તો રોજેનું એક લેશન આપવામાં આવ્યું, “તમને જયારે રખડવાનું, ટી.વી. કે મોબાઇલ, મસાલા વગેરેનું મન થાય ત્યારે વર્ગ શણગારવાની કોઈક વસ્તુ બનાવવા બેસી જવાનું.” 

      એ લેશનનાં ભાગ સ્વરૂપે પૂંઠા અને કાગળનું એક ટીવી વર્ગમાં લગાવવામાં આવ્યું છે. જેના પર ચેનલ એટલે કે ચિત્ર આજે સવારમાં એ લોકો બદલી રહ્યાં હતાં. પેન્સિલની લીડ તૂટી જાય એ બધી ભેગી કરીને પીછાંમાં ભરાવીને નવી પેન્સિલ પણ બનાવવામાં આવે છે. સુખડી માટેની ટ્રે, કંપાસ બોક્ષ, પાકીટ, ચોકબોક્ષ, ઝુમ્મર......... આહાહા..... વગેરે વગેરે બની રહ્યું છે. 
ટી.વી.



ચોકબોક્ષ


વર્ડ પઝલ

કઠોળની રંગોળી

પાકીટ અને કંપાસ








          આમ, મારો તો વર્ગ શણગારાય રહ્યો છે અને કદાચ એમનું જીવન પણ! “ટીચર, કાલે કટકી ખવાય ગઈ હતી હો...... પણ ધ્યાન રાખું છું.” – કોઈક એવું પણ કહે છે ક્યારેક. હા, આપણે માની અને ધારી લઈએ એટલાં ખોટાળા નથી હોતા એ લોકો.... 
બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે, 
એ બાળક છે એનાં ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે, 
મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું, 
ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે ! 
                                       - હિતેન આનંદપરા