Sunday, 24 September 2017

અમારી નિર્દોષ દુનિયા

         “ટીચર.. ઓ ટીચર, જલદી કબાટની ચાવી લાવો. ઘડિયાળમાં કીડીઓ ચડી ગઈ હશે..” હજુ તો શાળાના પગથીયા ચડું તે પહેલા જ મારી પહેલા શાળાએ પહોંચી ગયેલા બે છોકરાઓએ મારી પાસે દોડતા આવી કહ્યું. હું કઈ સમજુ કે તેઓ શું કહેવા માંગે છે ત્યાર પહેલા તો હાથમાંથી ચાવી લઈને ભાગી ગયા. આ દરમિયાનમાં આકાશ(નામ બદલાવેલ છે) મારી સાથે વાતો કરતો કરતો પગથીયા ચડતો હતો. “ટીચર, કાલે મારા માસીના ઘરે ગયો’તો ને તો નહોતો આવ્યો હોં..” “અમસ્તો જ ગયો હતો?” તો કહે,”હા, ટીચર, પરમ દિવસે સાંજે ડેમુ(ટ્રેન)માં બેસીને આવતો રહેવાનો હતો પણ..” “પણ શું?” “પણ ડેમુ જમણી બાજુથી આવવાને બદલે ડાબી બાજુથી આવી. તો હું પાછો માસીના ઘરે ગયો અને રાત રોકાઈ ગયો.” “એકલો જ ગયો હતો?” “હા, નજરબાગ સ્ટેશનથી નજીક જ થાય. હું તો એકલો જ જાવ.”

              મને આકાશની આ વાત કહાની લાગી. પણ મને થયું હશે કૈક.. જવા દ્યો. અને મને પેલી ઘડિયાળમાં કીડી ચડવાવાળી વાત યાદ આવતા વર્ગ તરફ ગઈ. વર્ગમાં જઈ જોયું તો યાદ આવ્યું કે એ લોકોને બે દિવસ પહેલા ‘વોચ યોર વોચ’ યુનિટના આધારે ઘડિયાળના મોડેલ્સ બનાવવા કહેલા તેની વાત કરતા હતા. અને આજે તેનું પ્રદર્શન રાખવાનું હતું.



              અમુકને કાલે જ ઘડિયાળ તૈયાર થઇ ગઈ હતી તો સાચવીને કબાટમાં મૂકી ગયા હતા. એક છોકરાએ ઘડિયાળમાં ચોકલેટથી ડેકોરેશન કર્યું હતું. પીળા રેપરવાળી Mango Bites ચોંટાડેલી હતી. આથી ચાવી લેવા આવેલા બે છોકરાઓને આગલે દિવસે સાંજે ઘરે વિચાર આવ્યા કે ચોકલેટવાળી ઘડિયાળમાં રાત્રે કીડીઓ ચડી જાશે તો? પણ ઘરે આવી ગયા પછી વિચાર આવ્યો તો શું થાય? આથી બીજા દિવસે તેઓએ ફટફટ શાળાએ આવી કબાટમાંથી ઘડિયાળ કાઢી જોઈ જ લીધું કે કીડીઓ તો નથી ચડી ગઈ ને? ....આવા હોય છે આ લોકો... આપણે એક પ્રોજેક્ટ આપીને કદાચ ભૂલી પણ જઈએ પરંતુ તેઓતો ઘરે જઈને પણ એ બાબતે વિચારતા જ હોય છે. તેમને મન આવા કોઈપણ સોંપાયેલા પ્રોજેક્ટનું વિશેષ મહત્વ હોય છે એ મને સમજાયું. 

           ત્યાં પેલા આકાશે મારી સામે એક કંપાસબોક્ષ મુક્યું અને કહ્યું કે, “જોવો ટીચર.. આ મેં ત્રીસ રૂપિયામાં ખરીદ્યો. બધા સાધનો છે અંદર.. એક બોલપેન જ નથી.” મેં કંપાસબોક્ષના વખાણ કર્યા પણ તે મને થોડું જુના જેવું લાગ્યું અને કિંમત પણ ઓછી લાગી. તો મેં કહ્યું,” બસ! ત્રીસ જ રૂપિયામાં?” તો કહે, “હા, અમારે ત્યાં એક દુકાનમાં તે સસ્તામાં મળે છે.” આવી વાત ચાલતી હતી ત્યાં એનો મિત્ર વચ્ચે જ બોલ્યો, “ટીચર.. એ ખોટું બોલે છે.....” પરંતુ મિત્રની વાત અડધેથી જ અટકાવી આકાશે તેને આગળ બોલવા દીધું નહિ. મને શંકા ગઈ કે નક્કી આ કંપાસબોક્ષ ચોરી કરેલો હશે. પણ આખા વર્ગ સમક્ષ તે વાત કરવાનું મેં પણ ટાળ્યું. વિચાર્યું કે રિસેશમાં બોલાવીને વાત કરીશ. 

             પણ રિસેશ પડતા હું તેમને બોલાવું ત્યાર પહેલાં જ તેઓ બંને આકાશ અને તેનો મિત્ર આવ્યા. આકાશ કહે, “ટીચર. હું વર્ગમાં ખોટું બોલ્યો હતો.” મેં કહ્યું,”શું?” ”એ કંપાસબોક્ષ મેં ખરીદેલો નથી.” “તો?” “મળેલો છે.” “ક્યાંથી મળ્યો?” તો કહે,”ટીચર, હું સવારમાં પણ ખોટું બોલ્યો હતો. કાલે હું શું કામ નહોતો આવ્યો કહું?” “હા, કહે.” “કાલે હું મારા માસીના ઘરે નહોતો ગયો. હું મારા નાની ભેગો કચરો વીણવા ગયો હતો. ત્યાંથી અમને એ મળ્યો. મારા પપ્પા નથીને.. તો હું ને મારા મમ્મી નાની ભેગા રહીએ છીએ. અને મારા નાની આવી તો ઘણીય વસ્તુઓ મારા માટે લાવે છે.” રાજી થતો તે છેલ્લું વાક્ય બોલ્યો. 

             મેં પૂછ્યું, “પણ.. વર્ગમાં તું ખોટું શા માટે બોલ્યો?” તો કહે, “જો હું સાચું કહી દઉં તો બીજા છોકરા મારા નાનીના કામની બાબતમાં મને ચીડવે છે.” મેં મારી આંખના ભીના થયેલા ખૂણાનું પાણી બહાર નીકળતા રોક્યું અને તેના કંપાસબોક્ષમાં ખૂટતી પેન અપાવવાનું કહી તેને રમવા મોકલી દીધો. 

                રિસેશ પૂરી થતાં સુધીમાં મેં વિચારી લીધું કે મારે હવે શું કરવાનું છે? રિસેશ પછી તેઓ ‘Birju, the brave’ અંગ્રેજીમાં આવતી સ્ટોરીના પાત્રો ભજવવાના હતા. નવાઈની વાત એ બની કે વર્ગના મોટા ભાગના છોકરાઓને story માં આવતા હીરો (Birju) બનવામાં રસ નહોતો. પણ તેઓને તો Dacoits (લુંટારાઓ) જ બનવું હતું. શા માટે ખબર છે? કોઈ અદૃશ્ય ઘોડા ઉપર સવારી કરી આખા વર્ગમાં કુદાકુદી કરવાની મજા આવે ને એટલે.. તેમની પાત્રોની ભજવણી નો કાર્યક્રમ પૂરો થતાં મેં સવાલો પૂછવા શરુ કર્યા. “story માં તમે લુંટારાઓ બન્યા પણ real life માં આપણે કોના જેવું બનવું જોઈએ?” “Birjuuu....” “dacoits જેવાં કામ આપને કરવાં જોઈએ..?” “નાઆઆઆ....” “તો કેવા કામ કરવાં જોઈએ?” તો એક કહે,”ટીચર, લુંટ-ફાટ કે ચોરી ન કરવી જોઈએ. અને મહેનતથી કમાવું જોઈએ...” મેં કહ્યું, “સરસ વાત કરી. અને જો કોઈ મહેનતથી કમાતું હોય, પછી ભલે ને એ નાનામાં નાનું કામ હોય... તો આપને તેને ચિડવવું જોઈએ?” બધા બોલ્યાં,”નાઆઆ....” એક છોકરો સમજી ગયો. તે બોલ્યો,”ટીચર, તમે આકાશની વાત કરો છો ને....? અમે એને નહિ ચિડવીએ.” “હા... ટીચર નહી ચિડાવીએ” બધા બોલ્યાં. એમની આ વાત પર બધાને એક એક પેન આપવાનું મનોમન વિચારી મેં આકાશ સામું જોયું, તો મને તેના બત્રીસે બત્રીસ દાંત દેખાયા. હા, આવા જ હોય છે આ છોકરાઓ.... 

               આ લખતી વખતે મને રાકેશભાઈ પટેલ(નવાનદિસર) એ લખેલી આ પંક્તિઓ ટાંકવાનું મન થાય છે.


હસવું-રડવું, ઝઘડવું-રિસાવું-મનાવું જેવી,
મારી સઘળી લાગણીઓ જીવતી લઈને આવ્યો છું.
તારા વર્ગખંડ ના પગથીયે સઘળું મારું,
પોચું - પોચું ને ચોખ્ખું ઇંધણ લઈને આવ્યો છું.
મારા સપનાં, મારી લાગણી, મારી વાતોને,
રંગવી છે કાગળના આકાશે એવી આશ લઈને આવ્યો છું.
પેન્સિલ મારી પ્રગટાવી દે તું હળવેથી,
જગત આખાને બતાવી દઉં એવી જાત લઈને આવ્યો છું.