Wednesday, 29 March 2017

મૂંઝવણ નિવારણ-૧

(આ પોસ્ટ વાંચતા પહેલા વાંચો મારી મૂંઝવણ નીચેની લીંક પર)

           “ટીચર.. એ ટીચર.. ક્યાં ખોવાઈ ગયા? મારો પ્રોજેક્ટ તો જુઓ.” શાહબાઝ બોલ્યો અને પોતાનો પ્રોજેક્ટ બતાવ્યો.

          જે વિદ્યાર્થીને અત્યાર સુધીમાં જેટલાં spelling (ઉચ્ચાર-અર્થ) પાકા થઈ ગયાં હોય તેની યાદી dictionary સ્વરૂપે બનાવવાનો પ્રોજેક્ટ મેં સોંપેલો. આ.. હા.. હા.. કેટલું ટાઈમ મેનેજમેન્ટ કરતો હશે એ.. ફેસબુક પર એક વ્યક્તિએ જીવનનું ગુઢ રહસ્ય દર્શાવતું એક વાક્ય મુકેલું અને નીચે તેના લેખકના નામમાં કેટરીના કૈફ એવું લખેલું. મને થયું શું ખરેખર કેટરીનાએ એ વાક્ય લખેલું હશે..? થોડા દિવસો પહેલા “કરીના કપૂરની તેના બાળક સાથેની પ્રથમ સેલ્ફી” એવાં કેપ્શન સાથે એક ફોટો ફરતો હતો. ફોટામાં કરીનાની બાજુમાં બેઠેલી આયાના ખોળામાં તેનું બાળક હતું.!! આવા એક્ટર્સ આપણા ‘આદર્શ’ વ્યક્તિઓ ? ના.. મારા માટે તો ‘આદર્શ’ વ્યક્તિઓની કેટેગરીમાં આવા છોકરા (ભલે આપણાથી નાના રહ્યાં) પ્રથમ આવે.

          આજકાલ કેટકેટલા આંદોલનો થતા આપણે જોઈએ છીએ. પણ મને તો આવા છોકરાઓ માટે આંદોલન કરવાનું મન થાય. ‘બાળમજૂરી’ આપણે રોકી ન શકીએ તો કંઇ નહિ પણ આવા બાળકો માટે કંઇક તો ‘કરીએ’. આથી આ આખો આર્ટિકલ બ્લેક અક્ષરોથી લખીને (એટલે કે કાળી પટ્ટી બાંધીને) મેં આંદોલન શરૂ કરી દીધું છે. પણ હું એક કરૂં એ થોડું આંદોલન કહેવાય..? આ આંદોલનમાં મને સાથ આપવા માટે કોઈએ રોડ ઉપર ઉતરીને હાય.. હાય.. હોય.. હોય.. કરવાની કે ક્યાંય જવાની જરૂર નથી. તો શું કરવાનું..?

(૧) કોઈ જવાબદાર નાગરિક શું કરી શકે? –

          આ ડૉકટરએ એક રીતે એ બાળકને બાળમજૂરી તરફ વળતો રોક્યો અને શિક્ષણ તરફ વાળ્યો છે. આર્થિક મદદ ન કરી શકીએ તો સમયનું દાન કરીએ. કંઇક જમાડીને આનંદ મેળવીએ. જો ખરેખર આવા બાળકોની સ્થિતિ આપણને ખટકતી જ હોય તો થોડું ટાઇમ મેનેજમેન્ટ કરીને આપણે ખુદ તેમને ભણાવીએ. આવું કરવા માટે ‘શિક્ષક’નું લેબલ હોવું જરૂરી નથી. (એટલીસ્ટ અક્ષરજ્ઞાન તો કોઈ પણ વ્યક્તિ આપી શકે.) આવા બાળકોને શોધવા કોઈપણ સંસ્થા કે શાળામાં જવાની જરૂર જ નથી. જો આપણે રોબોટ જેવી જિંદગી નહિ જીવતા હોઈએ તો આપણી આજુ-બાજુ જ આવા ચહેરાઓ જોવા મળશે. આપણી પર્સનલ સેલ્ફીઝ જોઇને કોઈ અજાણી વ્યક્તિ ‘આપણા ફોટા’ને લાઇક કરે તેના કરતાં આ અજાણ્યા બાળકો ‘આપણને’ લાઇક કરે એનો આનંદ અનેરો જ હોય છે.. (જો કંઇ ‘કરી’ ન શકીએને તો) એમના દયામણા ફોટો કે પંક્તિઓ ‘ફેરવી ફેરવી’ને તેમનો તમાશો બનાવવાનો આપણને કોઈ અધિકાર નથી. શું એ લોકો એમની જિંદગી સન્માનથી જીવવા નહિ માગતા હોય.?

(૨) શિક્ષક શું કરી શકે? 

(આમ તો જવાબદાર નાગરિકમાં શિક્ષક આવી જ જાય પણ બાળમજૂરીનો મુદ્દો શિક્ષણને ખાસ સ્પર્શે છે આથી અલગથી લખ્યો છે.)

          સૌ પ્રથમ તો “આ ને કાંઈ નો હોય..” બાળકો વિશેના આવા આવા મંતવ્યો બોલીને, કામ કરતાં શિક્ષકો પર પોતાનું સામ્રાજ્ય જમાવતા સરકારના જમાઈઓને સાંભળવાનું બંધ કરી દઈએ અને આપણે આપણું કામ ચાલુ રાખીએ. (ઓલું ભજન સાંભળ્યું છે ને..- “કર્મનો સંગાથી કોઈ નથી..” ) માત્ર અમુક ટકા ‘કર્મચારીઓ’ને કારણે જ આજે સરકારી શાળાઓ તરફ સમાજ શંકાની દૃષ્ટિથી જુએ છે.. 

             “આ છોકરાઓને યાદ નથી રહેતું.” એવી ફરિયાદ કરતાં શિક્ષકો એક હકીકત સ્વીકારીને મથવા લાગે કે, ‘એમને યાદ ન પણ રહે..’ કોણ જાણે એમાંથી કેટલાક આજ બપોરથી કાલ બપોર એમ માત્ર મદ્યાહન ભોજનનું જમીને પણ દિવસો કાઢતા હશે..!! આ હકીકત આપણે સ્વીકારી ન શકીએ તો આપણે આપણા સંતાનોની ‘યાદશક્તિ વધારવા’ માટે જે કાજુ બદામ મહીને બંધાવેલા છે ને એમાંથી થોડા આ બાળકો માટે પણ લાવીએ.. (કેમ ભર ઉનાળે ટાઢ વાઈ ગઈ..??)

            આ સત્રની શરૂઆતમાં સંસ્કૃત પાઠ-૨ના સ્વાધ્યાયમાં “તમારાં ઘરમાં બનતી વાનગીઓની યાદી બનાવો.” એ સુચના મુજબ વિદ્યાર્થીઓને કરવા કહ્યું. તો વિશાલ કહે, ”ટીચર, ખીચડી લખાય..?(!!!) ત્યાં તો એક છોકરો બોલી ઉઠ્યો, “બુદ્ધુ, એ વાનગી ન કહેવાય..” આવું બોલ્યાં બાદ કેટલીબધી વાનગીઓના નામ તે બોલ્યો. મેં તેને રોકતા કહ્યું, “હોટેલની નહિ ઘરમાં બનતી વાનગીઓના નામ લખવાના છે હો..” તો કહે, “હા.. ટીચર, ‘હું’ આ બધી જ વાનગીઓ જાતે ઘરે જ બનાવી શકું છું. અમારા એક સંબંધીની રેકડીમાં ડીશ ધોવાના કામમાં મદદ કરવા ક્યારેક જાવુંને તો શીખી ગયો.. અને હા.. ટીચર, ક્યારેક વધે ને તો એ ઘરે પણ લઇ આવવા દે છે. તો આમ જોઈને અને ચાખીને બનાવતા પણ શીખી ગયો છું...” આ બધું તે ગર્વથી બોલ્યો હતો હો...(!!)

           કામ કરવા ન જઈ અને આપણી સામે બેઠેલા, રોટલા કરતાં ભણતરને મહત્વ આપતા બાળકોનો “આપણે” ટાઇમ ન બગાડીએ અને પૂરેપૂરો સમય (નોકરીની કલાકો) તેમને ફાળવીએ. જેમની યાદશક્તિ છે એમને તો ભણાવીએ.. બાકીના બાળકોને પૂતળાની જેમ બેસાડી રાખવા કરતાં વાર્તાઓ કરીએ, મોજ મસ્તી કરાવીએ, હસાવીએ, તેમના અસ્તિત્વનું આપણને મહત્વ છે એવો અહેસાસ કરાવીએ... કાંઈ નહિ તો સારા વિચારો, સારા શબ્દોનું અમૃત તેમના કાનમાં રેડી તેમને જીવંતતા બક્ષીએ. શિક્ષકો પાસે સારા શબ્દો સંભાળવા તેમના કાન કેટલા તરસ્યા છે એ તેમની આંખો પરથી જ ખબર પડી જાય છે..

            આપણી સામે બેઠા હોય ત્યારે શિક્ષણ ન આપીએ અને પછી ઉચ્ચ અભ્યાસ માટે રોકડ રકમના દાનના ઢોંગને રહેવા દઈએ...

               બસ... શિક્ષકો આટલુંય કરેને, તોય મોટામાં મોટું યોગદાન ગણાશે..!!

(૩) સરકારશ્રી શું કરી શકે ?

(ત્રીજો આ પોઈન્ટ અને મહત્વનો પોઈન્ટ  હું આ બાબતે શું કરું છું તે હવે પછીની પોસ્ટ ‘મૂંઝવણ નિવારણ-૨’ માં વાંચો આ લિંક પર  http://truptan.blogspot.in/2017/04/blog-post.html)

Wednesday, 22 March 2017

મૂંઝવણ

          હોળી પૂરી થઇ ગઈ છે પણ મારા ક્લાસના શાહબાઝના હાથની હથેળી મને ભુલાતી નથી. હોળી વખતે બે ત્રણ દિવસ રજા જેવું વાતાવરણ રહેશે એમ વિચારી હોળી પહેલા મેં ધોરણ-૮ના બાળકોને એક પ્રોજેક્ટ સોંપેલો. હોળી બાદ શાળાએ આવ્યાં ત્યારે શાહબાઝનો ‘પ્રોજેક્ટ’ પછી ત્યાર પહેલા તેના હાથની હથેળી મને દેખાઈ. મેં પૂછ્યું, “શાહબાઝ, તું આવા કેવા રંગથી રમ્યો છે...?” તો કહે, “ટીચર, હું તો આ વખતે હોળી રમ્યો જ નથી. કલર હતા જ નહિ,” નવાઈ લગતા મેં પૂછ્યું, “તો આવું શું થયું છે હથેળીમાં?” તો કહે, “ટીચર, ઈ તો મારા મમ્મીને ઉલિયા બનાવવાનાં કામમાં મદદ કરતો હોય ને એટલે એવી થઇ ગઈ છે.” આ.. હા.. હા... અને હું સમજી ગઈ કે એના હાથની હથેળીની ચામડી ઉખડી ગઈ હતી એટલે રંગ ‘ઉતરી’ ગયો હતો.!! મારું હૃદય બળતાં મેં સજેશન આપ્યું કે, “રાત્રે સુતી વખતે હાથમાં થોડું ઘી લગાવતો જા.” પણ તે Expressionless થઇને મારી સામે જોતો રહ્યો. હું તેની મૂંઝવણ સમજી ગઈ અને મારા ચહેરાના હાવભાવ બદલ્યા વગર મેં તેને બીજી સલાહ આપી, “એના કરતાં તેલના બેત્રણ ટીપાં પાણી સાથે મિક્ષ કરી હાથમાં મોજા પહેરીને પછી મમ્મીને મદદ કરવી.” તે તરત બોલી ઉઠ્યો, “હા ટીચર, તેલ છે મારી ઘરે. હું તે જરૂર કરીશ. પણ...” “પણ શું...?” “મોજા નથી.(!!)” સ્ટાફના એક બહેન અમારી વાત સાંભળતાં હતાં. તેમને તરત જ બીજા દિવસે તેને મોજા આપવાનું પ્રોમિસ કર્યું.

          હું વિચાર કરવા લાગી કે, “શું આ ‘બાળમજૂરી’ કહેવાય?” પપ્પા ઘરમાં કમાઈને પાંચિયું પણ આપતા ન હોય. મમ્મીની તબિયત ખરાબ રહેતી હોવાથી બહાર કામે જઈ શકતા ન હોય તો એ ઘરે જ ઉલિયા બનાવવાનું મશીન રાખી અને કામ કરતાં હોય. શાહબાઝ એમાં મદદ કરતો હોય તો શું એ બાળમજૂરી કહેવાય..?? 

          થોડાં દિવસો પહેલા ‘બાળમજૂરી’ શબ્દ મેં ગુગલમાં સર્ચ કર્યો હતો. લગભગ એક કલાક વાંચ્યું પણ તેમાં તો ‘બાળમજૂરી રોકવી જોઈએ.’ તેના વિશે જ વાંચવા મળ્યું. આના માટે કોઈએ કાઈ ‘કર્યું’ હોય એવું તો જોવા જ ન મળ્યું. અંતે કંટાળીને ગુગલ બંધ કર્યું.

         એક દિવસ અમારા એક સંબંધીના ઘરે સાફસફાઈ કરવા જવાનું થયું હતું એ દિવસ પણ યાદ આવ્યો. માતા-પિતા અવસાન પામ્યા હોવાથી ઘરમાં મોટું કોઈ નહિ. બે છોકરા જ રહે. કેટલા બધા સામાનની વચ્ચે એક ધૂળધાણી દફતર જોવા મળ્યું. ખોલીને જોયું તો અંદરથી ટીપટોપ કંડીશનમાં ધોરણ-૧૨ના ચોપડા મળ્યાં. એ છોકરાને ભણવું હશે..(?) પણ... ધૂળધાણી સામાનની અંદરથી સાવ કોરાકટ, ચોખ્ખાચણાક ચોપડા જોઈ મારો શ્વાસ રૂંધાણો અને હું મૂંઝવણમાં મુકાઇ ગઈ. 

       આવા વાતાવરણમાં મોટા ભાગનાં શિક્ષકોનો રોલ ‘ફરિયાદી’ તરીકેનો રહી જાય છે કે, “બાળકો શાળાએ આવતાં નથી. અને આવે છે તો માત્ર મધ્યાહન ભોજનનું જમવા માટે.” હા.. તો સારું જ છે ને કે મધ્યાહન ભોજનનું જમવાનાં બહાને ‘આવે’ તો છે... પછી તેને શાળામાં, શિક્ષણમાં રસ લેતાં કરવાની જવાબદારી ‘આપણી’ જ છે... સરકારની નહિ.... ચિત્ર તો એથી સાવ ઉલટું જ જોવા મળે.. સાહેબશ્રીઓ તો ક્યાંય ગપાટા મારતા હોય અને વિદ્યાર્થીઓ વર્ગમાં ‘ધ્યાન’ રાખતા હોય !!! એટલે કે રીતસર ભણાવતા જ હોય... !!!!!! આવા શિક્ષકોની તો વાહવાહી કરવી કે આહઆહી....??? વિદ્યાર્થીઓ આવા શિક્ષકોને હાથમાં રજીસ્ટર આપે ત્યારે તો હાજરી પૂરે.. (કોને ખબર એ પણ વિદ્યાર્થીઓ જ પૂરતા હોય !!!) હવે આવામાં શિક્ષક તે વર્ગ નો રાજા કે વરરાજા....!!!! - - - - - શું આ ‘બાળમજૂરી’ નથી..????!! હું તો આને ‘ભયંકર બાળમજૂરી’ કહીશ. માફ કરશો કાયદાની વિરુદ્ધમાં કહું તો ચા ની રેકડી પર કામ કરતાં ‘છોટુઓ’ ને ‘વળતર’ તો મળે છે... ઘણી શાળાના છોટુઓને તો વળતરમાં ‘શિક્ષણ’ પણ નસીબ નથી હોતું...!

           “ટીચર.. એ ટીચર.., ક્યાં ખોવાઈ ગ્યા..? મારો પ્રોજેક્ટ તો જુઓ..” શાહબાઝ બોલ્યો.

(શાહબાઝને, તેના પ્રોજેક્ટને અને આ મૂંઝવણના નિવારણ વિશેના મારા વિચારો વાંચો, મારી પોસ્ટ ‘મૂંઝવણ નિવારણ’ માં. http://truptan.blogspot.in/2017/03/blog-post_29.html )

Sunday, 19 March 2017

રવિવાર

     રવિવાર !! હા, આજે રવિવાર એટલે છુટ્ટી. “શિક્ષકો વિદ્યાર્થીઓમાંથી છૂટ્યા અને વિદ્યાર્થીઓ શિક્ષકોથી...!!” – મોટે ભાગે શાળાકીય રવિવારની વ્યાખ્યા એટલે આ જ.

           પણ આજે તો આ વ્યાખ્યાને સાવ ખોટી જ પાડનાર દૃશ્યો જોવા મળ્યાં.

        સવારે મારા કિચનની બારીમાંથી બહાર જોયું તો આશરે સાત-આઠ વર્ષના બે છોકરા અને એક છોકરીને કમ્પાઉન્ડ વોલ પર બેઠેલા જોયા. અમારા એપાર્ટમેન્ટની ફરતે વોલ છે અને તેની પેલી બાજુ એક ખેતર છે. ત્યાંથી એ લોકો આ બાજુ ચોરી છુપીથી આવવા કોશિશ કરતા હતા. કોઈ જોતું નથીને... એનું તેઓ ખાસ ધ્યાન રાખતા હતા. કોઈ શાકભાજીવાળાએ “શાક લ્યો, શાક” એવી બૂમ પાડી તો ડરીને પાછા પેલી બાજુ કુદી પડ્યા.... અરે ભગવાન... માંડ ચડ્યા હતાં હો... ફરી થોડી વાર પછી ડોકાયા. વોલની બાજુમાં જમા થયેલો થોડો કચરો, કાગળ વગેરે હતા. તેમાંથી કંઇક વીણી-વીણીને તેઓ બે ત્રણ વખત લઇ ગયા. દિવાલની પેલી બાજુ બેસીને તેઓ કંઇક કારીગરી કરતા હોય તેવું લાગ્યું ! પણ... હજુ તો હું ક્યાં પૂરેપૂરી તેમની દુનિયા સુધી પહોંચી છું ? એટલે હું સમજી શકી નહી.... આ “કચરા”નું તેઓ શું કરતા હશે ? એવું વિચારતા વિચારતા મને ગઈકાલનો શાળાનો દિવસ યાદ આવ્યો...

             અંકિતના હાથમાં કંઇક થેલી જેવું દેખાયું, તો મેં પૂછ્યું, "માજીની મંદિરની થેલી જેવું શું છે તારા હાથમાં?" "ટીચર શાળા પણ સરસ્વતીનું મંદિર જ છે ને...? તો થેલી લઇ ને આવવું જ જોઈએને..." (કદાચ બાળકોએ જ 'શાળા એ સરસ્વતીનું મંદિર છે' એ  વ્યાખ્યા ટકાવી રાખી છે.) એમ કહીને એણે મને થેલી બતાવી. 


           એ થેલીની અંદર પણ મને કંઇક દેખાયું, તો મેં પૂછ્યું, “આ શું છે?” તો કહે,”ટીચર, મેં એક પઝલ બનાવી છે, કરીને બતાવું?” તો મને નીચે મુજબની પઝલ જોવા મળી. 




          આ હા.. હા... ક્રિષ્ના શીંગ-દાળિયાવાળાને ખબર પણ નહી હોય કે તેની કંપનીનાં રેપરનો ઉપયોગ કરીને કોઈ બાળક થેલી પણ બનાવતું હશે... બુકની કંપનીને પણ ખબર નહી હોય કે તેમને બનાવેલ ચોપડાના કાર્ટુનવાળા પૂંઠામાંથી કોઈ બાળક પઝલ્સ પણ બનાવતું હશે. અમીર માબાપના નબીરા બાળકો મોંઘાદાટ રમકડામાંથી જે આનંદ કે આવડત નહી મેળવતા હોય તે આ બાળકો સાવ સામાન્ય વસ્તુઓમાંથી મેળવી લેતા હોય છે. પછી તો અમે બધા એ પઝલથી ખૂબ રમ્યાં. ક્યારે રીસેસ પડી ગઈ ખબર પણ ન પડી. 

         રીસેસમાં બહાર નીકળી, તો પાંચમાં ધોરણનો કરણ કંઇક કારીગરી કરતો દેખાયો. મેં કહ્યું, “બતાવ જોઈ શું કરશ?” તો કહે, “અત્યારે નહી ટીચર, રીસેસ પછી.” વર્ક ઇન પ્રોગ્રેસ લાગે છે એમ વિચારી હું આગળ ગઈ. મારા વર્ગ પાસેથી નીચે મેદાનમાં પહેલા બીજા ધોરણનાં પાંચ-સાત છોકરા દોડાદોડી કરતા દેખાયા. મેં જોયું કે તેઓ એક રંગબેરંગી પતંગિયાને પકડવાની કોશિશ કરતા હતા. પતંગિયું જે બાજુ જાય એ બાજુ દોડે હો... વાંસળીવાળો અને ઉંદરની વાર્તાની જેમ જ... ત્યાંતો એ... એ... એ... પકડાઈ ગયું.... રાજીના રેડ.... મને થયું એ... પતંગિયું ગ્યું.. નક્કી મારી નાખશે... પણ ના, છોડી દીધું. વળી, પતંગિયું ઉડ્યું. તેઓ ફરી પકડવા દોડ્યા. બે ત્રણ વખત પકડાયું અને છૂટ્યું. શું એ પતંગિયું હેરાન થતું હતું ? ના, બિલકુલ નહી. જો એમ જ હોય, તો એ ત્યાંથી ઉડીને ભાગી ન જાય. એ તો જાણે રીસેસની રાહ જોતું હશે કે, હમણાં ફૂલડાં સામેથી આવશે અને તેમના સ્પર્શ વડે મધુરતા બક્ષશે. 

           ત્યાં ઉભાઉભા બીજી તરફ વર્ગમાં નજર ગઈ, તો ધોરણ આઠનાં બાળકો જે કરતા હતા તે દેખાયું. 


           એ જોઈ મને વિચાર આવ્યો કે, ઘણી બધી શાળાઓ આ બાળકોએ બનાવેલાં પૂંઠાનાં ઘર જેવી જ હોય છે.... ખાલીખમ. સુવિધાઓ સારી અને શિક્ષણ ખોખલું. જોકે, એવી કોઈ શાળાને બાળકોના આ ઘર સાથે ન જ સરખાવી શકાય, કેમ કે, આમાં તો લાગણી, કલ્પના, મહેનત, અરમાન વગેરે જોવા મળે છે. એ બંનેની તુલના કરીને બાળકોનું અપમાન કેવી રીતે કરી શકું ? આવા વિચારો કરતી હતી ત્યાં રીસેસ પૂરી થવાનો બેલ વાગ્યો અને સામેથી પેલો કારીગર કરણ પોતાનું બનાવેલું રમકડું મને બતાવવા આવ્યો. 


          આ બધી જ વસ્તુઓ જોતા મને વિચાર એ આવ્યો કે, શાળારૂપી ચોરસ ખોખાંમાં આ બાળકો શિક્ષણ ‘લેવાં’ આવતા હોય એવું લાગે, પણ ‘મેળવી’ તો એ ક્યાં ક્યાંથી લેતાં હોય છે..... શીઇઈઈઈઈઈ.......... શીઇઈઈઈઈઈ.......... કુકરની સિટી વાગી અને હું વિચારોની દુનિયામાંથી વાસ્તવિકતામાં એટલે કે રવિવારના દિવસમાં પાછી આવી ગઈ. 

          મારા વિચારો ખૂટ્યા પણ પેલાં ત્રણ છોકરાંઓની ગતિવિધિઓ ચાલુ હતી. અમારા એપાર્ટમેન્ટ સામું આંગળી ચીંધી કંઇક બોલતા હતા. મને થયું કે એ લોકો મને જોઈ ગયાં છે. પણ ના, એ લોકો મને જોઈ ગયાં નહોતા. પણ ઉપરથી નીચે એમ આંગળી ફેરવતા હતા. મેં વિચાર્યું કે, એક... બે... ત્રણ... એમ ગણતાં હશે કે શું ? શું આ ગણિતનો વર્ગ ચાલી રહ્યો હતો? 

          મને થયું કે હું ઉંચાઈ પરથી આ બાળકોની ક્રિયાઓને જેમ નિહાળી રહી છું, તેમ મારી ઉપરથી પણ બ્લ્યુ કાચમાંથી કોઈ મારી રોજબરોજની ક્રિયાઓની નોંધ લઈ રહ્યું હશે હો... ત્યાં તો, એક છોકરો દિવાલની આ બાજુ કુદ્યો. કચરામાંથી હાથમાં કંઇક લઇ અને સાથીદારની બાજુમાં વંડી પર બેસી ગયો. મને નીચેનું દૃશ્ય દેખાયું. 

            હા... તેઓ કંઇક વાંચતા હતા... વાંચતા શીખતા હતા... 

“આજે રવિવારે પણ વાંચતા હતા..?!?!? 

કે પછી 

એમને માટે સાતેસાત વાર 

‘રવિવાર’ જ હતા....!!!?”

Thursday, 16 March 2017

પરિચય

         થોડા દિવસોની મહેમાન એવી ગુલાબી ઠંડીની મજા માણતી-માણતી આજે શાળાએ પહોંચી. ત્યાં જઈ જોયું તો પાણીની ટાંકીનો વાલ્વ તૂટી જવાના કારણે મેદાનમાં પાણી જમા થયું હતું. આ પાણી જોઈ બે વિદ્યાર્થીઓને સવારમાં જે કલ્પના થઇ તે સંવાદ સ્વરૂપે મેં સાંભળી. જયેશ કહે, “જો અંકિત, થોડા દિવસ પહેલા ટીચરે આપણને ‘નરારા આઈલેન્ડ’ વિશે કહ્યું હતું ને... તેવું લાગે છે..!!” તો વળી અંકિતે જયેશની વ્યાખ્યામાં સુધારો કરતા કહ્યું, “જયેશ, ટીચર તો આઈલેન્ડ વિશે કહેતા હતાં. આઇલેન્ડ એટલે તો જાજા પાણીની વચ્ચે થોડી જમીન હોય તે. પણ આ તો કોરેમોરે જમીન અને વચ્ચે જાજુ પાણી....” હા... હા... હા... એ બંને હસી પડ્યા... અને હું પણ...

          આજે તો એક શિક્ષક તાલીમમાં અને એક શિક્ષક રજા પર હોવાથી ૬ થી ૮ના ત્રણેય ધોરણ મારે લેવાના હતા, ત્રણેય ધોરણને એક વર્ગમાં બેસાડ્યા. બાળકો વિચારતા હતા કે, આજે ટીચર શું નવું કરાવશે? અને હું પણ વિચારતી હતી કે શું કરાવું ?

         વર્ગમાં જઈ બાળકોને કહ્યું, “આજે આપણે ‘વક્તૃત્વ દિન’ માણીશું.” ત્યાં તો સામે પક્ષે પ્રશ્નોની વર્ષા શરૂ, “ટીચર ! એમ અચાનક વક્તૃત્વ સ્પર્ધા રાખો એમ કેમ ચાલે ? અમે તો કાંઇ પાક્કું પણ નથી કર્યું ! કોઈ ટીચરે કાંઇ લખી પણ નથી દીધું?” વગેરે વગેરે.... હા... એ લોકો સાચા જ હતાં. એમને મન તો ટીચર લખી આપે અને પોતે ગોખીને બોલી નાખે એ વક્તૃત્વ.... ‘વક્તૃત્વ એટલે વ્યક્ત થવું, બોલવું, પોતાના ( શીખવનારનાં નહિ) વિચારો યોગ્ય રીતે રજુ કરવા...’ એ તો એમને ખબર જ નહિ... ખરેખર, કોઈ વક્તૃત્વ સ્પર્ધા જ્યારે હું જોઉં ત્યારે મને એમ જ લાગે કે, જાણે કોઈ વ્યક્તિ સ્થિર ઉભો રહી અને એકપાત્રીય અભિનય રજુ કરતો હોય. ગોખીને જે સારું બોલી નાખે એને વિજેતા જાહેર કરવામાં આવે. ( આમ તો બે વિજેતા- એક ગોખીને બોલનાર અને બીજો ગોખાવનાર સ્ક્રિપ્ટ રાઈટર!)

          બાળકોને શાંત કરતા મેં કહ્યું, “આપણે એવી કોઈ જ વક્તૃત્વ સ્પર્ધા નથી રાખવાના, તમે લાઈબ્રેરીની જે ચોપડીઓ વાંચી છે તેમાંથી કોઈ પણ એકનાં પરિચય રૂપે વ્યક્ત જ થવાનું છે.” “હેં ટીચર, જે યાદ હોય એ બોલવાની છૂટ?”, તેઓ બોલ્યાં. મેં કહ્યું, “હા, જે શીખ્યા હોય તે બોલવાનું.” અમે બધા મોજમાં આવી ગયા હો.... પણ અમુક ખળી ગયા! જૂની સિસ્ટમમાંથી બહાર નીકળતાં વાર તો લાગે, એમ વિચારી શ્રોતા બનવાની તેમની તૈયારીને મેં સ્વીકારી. રીસેસ બાદનો સમય નક્કી કરવામાં આવ્યો. જેઓને બોલવું હતું તેઓ તૈયારીમાં લાગી ગયા. બાજુનો વર્ગ આજે ખાલી હોવાથી રિહર્સલ રૂમમાં ફેરવાઈ ગયો હતો. જેઓ બોલવાના ન્હોતા એ લોકો (ભવિષ્યમાં બોલવા થશે એમ વિચારી!) લાઈબ્રેરીની ચોપડીઓ વાંચવા લાગ્યા. 

         અને આ બધું જોઈ મને એ દિવસની યાદ આવી જ્યારે મેં શાળા લાઈબ્રેરીની શરૂઆત કરી હતી. ૨૦૧૦ની સાલમાં જ્યારે હું નોકરીમાં જોડાઈ એ વર્ષે ‘ઉપરથી’ (આમ તો ‘નીચેથી’ કેમ કે અમારી તાલુકા શાળાનું બિલ્ડીંગ અમારી શાળાની નીચે આવેલું છે) એક પરિપત્ર આવ્યો હોવાથી આચાર્યએ એક મિટિંગ બોલાવી. કાર્યભાર સરખે ભાગે વહેંચાય એ હેતુ થી શિક્ષકોની અલગ અલગ સમિતિ બનાવવામાં આવી. એ દિવસે સામેથી જ લાઈબ્રેરીનો ચાર્જ મેં માંગ્યો એમ વિચારીને કે એ બહાને થોડું થોડું ઓક્સિજન મળતું રહેશે. આ પ્રવૃત્તિ ‘ઓનપેપર’ન રાખવાના ઈરાદે શાળામાં પુસ્તકો છે ? છે તો કેટલાક છે ? અને ક્યાં છે ? વગેરે શોધખોળ શરૂ કરી. વર્ષોજૂની શાળા હોવાથી પુસ્તકો તો ઘણાં છે, એમ મેં જાણ્યું. એ વખતનાં મારા આચાર્યને મારા ઈરાદાનો ‘પરિચય’ થયો અને મારા ઉત્સાહને માન આપીને તેઓએ, સ્ટાફના એક બહેને અને મેં, અમે ત્રણેયે મળીને વર્ષોથી બંધ પડેલા કબાટોની ચાવીઓ પહેલાં તો શોધી. ને પછી કબાટ ખુલ્યા. પુસ્તકોના ઢગલાં નીકળ્યા. મને બરાબર યાદ છે એ દિવસે પુસ્તકોની ઉધઈ પણ અમને ત્રણેયને પુસ્તકીયા કીડા ( એટલે કે એમના સાથીદારો!) માનીને અમારી ઉપર ચડી હતી. ઉદાર આચાર્યએ કહ્યું હતું, “બહેન બાળકોને વાંચવા આપજો. તોડી નાખે તો ભલે, તૂટશે તો નવા આવશે.”

           ‘તૂટશે તો નવા આવશે’ એ સુત્ર મારા મનમાં ઘર કરી ગયું હોવાથી એ દિવસ થી આજ સુધી દર પંદર દિવસે શાળાની લાઈબ્રેરી ખુલે એ ક્રમ જળવાઈ રહ્યો છે. લાઈબ્રેરી શરુ થઇ એ શરૂઆતમાં તો લાઈબ્રેરીના પુસ્તકો ચિત્રકલાની ચોપડી તરીકે જ વપરાયા. અલગ અલગ ચિત્રો જુએ અને દોરે. અને આજે જુઓ, આ બધાય પુસ્તકોનો પરિચય આપવા માટે સજ્જ થઇ રહ્યા છે. પહેલાં તો ચોક, ડસ્ટર, રજીસ્ટરની સાથે સોય, દોરા, બટન પણ હું મારા વર્ગમાં રાખતી કેમકે દરરોજ કોઈને કોઈ બાળકને જરૂર પડતી. અને આજે તે સોય દોરાનો ઉપયોગ બાળકો ચોપડીઓ સાંધવા કરે છે. તમે કલ્પી શકો એથી વધારે આજે મને આનંદ થઇ રહ્યો છે. 

            રીસેસમાં હું રિહર્સલ રૂમમાં જોવા ગઈ તો નીચે મુજબના દૃશ્યો દેખાયા.




         રીસેસ બાદ પુસ્તકોના પરિચય શરૂ થયા. અંકિતે ‘૩૦૧ અજાયબીઓ’માંથી વિશ્વની અજાયબીઓ વિશે કહ્યું, રાહુલે ‘તેજોમય ભારત’માંથી શક્તિપીઠોની સ્થાપના કેવી રીતે થઇ તે કહ્યું. ‘ભારતના વૈજ્ઞાનિકો’, ‘૨૧મી સદીનું પંચતંત્ર’, ‘વિક્રમ-વેતાળ’ વગેરે જેવા ઘણાં પુસ્તકોના પરિચયો અને તેમાંથી તેઓ શું શીખ્યા તે વિશે જાણ્યું.

           પણ... અમારા ધોરણ-૭ના પાંચ વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા. મને કહે, “અમારે બધાએ ભેગામળીને એક પુસ્તકનો પરિચય આપવો છે”. મેં કહ્યું, “ભેગા મળીને! કેવી રીતે?” તેઓ કહે, “આમ બધાની જેમ નહિ, પણ જરા જુદી રીતે.” 
આ રહી એ જરા જુદી રીત....

          એ ગૃપે પંચતંત્રની વાર્તા અભિનય સાથે રજુ કરી. જોયુંને... મારા નાટકીયાઓનું નાટક. બધા ખૂબ આનંદમાં હતા. એક વિદ્યાર્થીને આજે અગિયાર વાગ્યે ઘરે જવાનું હતું. પણ તે ભૂલી ગયો અને પછી પોણાબારે ઘરે ગયો. 

          પછી તો શાળા છૂટવાને પંદર મિનિટની વાર હતી ત્યારે જોક્સ પણ રજુ થયાં. એક વિદ્યાર્થી જોક્સ કરતો હતો પણ મારા સિવાયના બધાને એ સમજાતું હતું અને હસતા પણ હતાં. આ જોઈને મને પણ હસવું આવ્યું. ત્યારબાદ તો શાળા છૂટી અને જાતાં-જાતાં એક વિદ્યાર્થીએ લેસનમાં ‘મને’ એક ઉખાણાંનો જવાબ શોધીને લાવવા કહ્યું, “સોને કી ખાનમેં કોયલા હી કોયલા..!!”

             સારું, ચાલો... મારે પણ આજે લેસન છે!

           ખરેખર, મને પણ આજે બાળકોના એક નવાં જ રૂપનો ‘પરિચય’ મળ્યો. આથી મને એ પંક્તિ યોગ્ય લાગે છે કે,

“बच्चों के नन्हे हाथों को ये चाँद सितारे छुने दो,
कुछ चंद किताबें पढ़कर वो भी हम जैसे हो जायेंगे ।“

Wednesday, 8 March 2017

વુમનહુડ

क्या आप अकेले ही पागल है ?

क्या आपके घरवाले जानते है कि आप मुर्ख है?

          ધો.૭ ના બાળકોએ આજે "मुस्कान के मोती" પાઠના સ્વાધ્યાયમાં ઉપર દર્શાવેલ પ્રશ્નોના જવાબ મેળવવાની મજા માણી. જો ‘હા’ કહે તો ફસાય અને ‘નાં’ કહે તો પણ ફસાય. હા આવા જ એક પ્રશ્નનો સામનો મેં પણ ત્રણ વર્ષ સુધી કર્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી ૮ માર્ચ આવે એટલે “મહિલા સશક્તિકરણ”ની કોઈ તાલીમમાં જવાનું કહેવામાં આવે. સવાલ મને એ થાય કે, “શું મારે આવી કોઈ તાલીમની જરૂર હતી?” જો ‘હા’ તો ‘હું અશક્ત છું’ એમ સાબિત થાય ને ? ( જો મારા જેવી વૈચારિક બળવાખોર સ્ત્રી જો પોતાને ‘અશક્ત’ માને તો, હકીકતમાં અશક્ત સ્ત્રીની તો કેવી હાલત હશે !!) અને જો ‘નાં’ તો ફરી એકવાર સવાલ થાય કે, “તો આવી તાલીમોમાં જવાનું કારણ શું ?” Obviously, સીસ્ટમનાં એક ભાગ તરીકે... હા... બીજા ઘણાં દિવસોની જેમ જ “વિશ્વ મહિલા દિવસ” પણ ‘formality’માટે જ ઉજવાતો હોય એવું લાગે હો...

        ૭ માર્ચનાં રાત્રિના ૧૨ વાગ્યાને એક મિનિટે ફોનમાં એક મેસેજ આવ્યો. જોયું તો મારી એક બહેનપણીનો મેસેજ. “Happy Women’s Day”, જાણે કે કોઈનો બર્થ ડે હોય.(એક દિવસીય ઉજવણી!) ત્યારબાદ તો ૮ માર્ચનો આખો દિવસ WhatsApp, FB, TV પર બધે જ “મહિલા દિવસ”નાં વધામણાંની લેતી-દેતીઓ જોવા મળી. કોઈ સારામાં સારો વક્તા પણ જેવું વક્તવ્ય ન આપી શકે તેવા મેસેજીસ જોવા, વાંચવા અને સાંભળવા મળ્યાં. નવાઈની વાત તો એ હતી કે તેમાંના મોટાભાગના સંદેશાઓ મહિલાઓ દ્વારા ફરતાં હતા. સ્ત્રીઓની શક્તિ, સૌંદર્ય, સહનશીલતા.... ઓ હો હો... કેટકેટલા ગુણો... વિશેષણોના વિચારવિસ્તારની ખબર પડી. સૌથી વધુ દુઃખ એવા મેસેજથી થયું જેમાં સ્ત્રીઓ ‘માન-સન્માન’ની રીતસર આજીજી કરતી હતી !!

         આ વર્ષે તો કંઇક અલગ જ બન્યું. મારે કોઈ તાલીમ લેવા માટે જવાની ન્હોતી પરંતુ કોઈ એક સંસ્થામાંથી અઠવાડીયા પહેલા એક ફોન આવ્યો કે, “વિશ્વ મહિલા દિનની ઉજવણી નિમિત્તે તમે વક્તવ્ય આપવા આવશો ?” મેં પૂછયું, “સાંભળવા કોણ આવવાનું છે ?” તે સાહેબ કહે, “મહિલાઓ જ હોય ને...?” તો મેં કહ્યું, “પુરુષો જો સાંભળવા આવવાના હોય તો મારે બોલવું છે. સ્ત્રીઓને તેમના ખુદના વિશે શું કહેવાનું હોય??!”

         મારું માનવું છે કે, “૮ માર્ચ”એ એક દિવસ તો સ્ત્રીઓએ પુરુષોને આપેલો છે ‘મહિલા દિવસ’ની ઉજવણી કરવા માટે.બાકી સ્ત્રીઓએ તો આખું વર્ષ આજીવન WOMANHOOD–સ્ત્રીત્વની ઉજવણી જ કરવાની હોય.

        વિશ્વની બધી જ સ્ત્રીઓને ૮ માર્ચની રાત્રીના ૧૨.૦૦ વાગ્યા થી આવતા વર્ષની ૭ માર્ચની રાત્રીના ૧૨.૦૦ વાગ્યા સુધી.... “Happy Womanhood !!”

“સ્ત્રીત્વને માણીએ...”

“अगले जनम मोहे बिटिया ‘ही’ कीजो....”

Friday, 3 March 2017

હોળી

“सर्व तीर्थमयी माता

सर्व देवमय पिता ।

मातरं पितरं तस्मात

सर्व यत्नेन पूजयेत् ।।“

(માતા સર્વ તીર્થ સમાન હોય છે, પિતા સર્વ દેવ સમાન હોય છે.

માતા પિતાને આથી બધાજ પ્રયત્નો પૂર્વક પૂજવા જોઈએ.)

          એ દિવસે ધોરણ-૬માં ઉપર દર્શાવેલ મારા પ્રિય શ્લોકની સમજૂતી આપવાની હતી. “सुभाषितानि” માં આપેલ પ્રથમ ત્રણ શ્લોકના ભાષાંતરની જાણ કરી વિસ્તૃત માહિતી આપી. હવે માતા-પિતાની વંદનાનું મહત્વ દર્શાવતા ચોથા શ્લોકનું હજુ તો ભાષાંતર જ કર્યું હતું ત્યાં તો એ વર્ગમાં મારો period પૂરો થયો. પરંતુ હું વર્ગમાંથી બહાર નીકળું ત્યાર પહેલા એક છોકરાએ મને એક પ્રશ્ન પૂછી નાખ્યો, “ટીચર, માતાની જ પૂજા કરીએ કે માન આપીએ. પિતાને ન આપીએ તો ન ચાલે..?!” એ વિદ્યાર્થી પર મને થોડું ગુસ્સા જેવું આવ્યું કેમકે તેણે તો ‘મારી માન્યતા’ વિરુદ્ધનું કંઇક વિચાર્યું હતું. આવા બળવાખોર સાથે અબોલા લઇ લેવાનું મને મન થયું. હા, સમાજમાં કોઈ વ્યક્તિ પોતાના અનુભવોને આધારે થોડું અલગ વિચારે તો એવું જ કરવાનો ‘રીવાજ’ છે ને..? પણ, આ તો શિક્ષક-વિદ્યાર્થીનો સંબંધ હતો. મારા વિદ્યાર્થીને હું તેના પ્રશ્નને કારણે કેવી રીતે તરછોડી શકું..? મેં તેને બીજા દિવસે જવાબ આપવાનું કહ્યું.

            થોડો વિચાર કરતાં મને એ દિવસ યાદ આવ્યો જયારે તે છોકરાને અમારી શાળામાં દાખલ કરવામાં આવ્યો હતો. એનાં નાના એ છોકરાનું બેકગ્રાઉન્ડ કહી ન શક્યા. માત્ર એક છાપાની કટકી અમને વંચાવી હતી. જેમાં કંઇક એવું લખ્યું હતું, “નશાની હાલતમાં પતિએ પત્નીને ઊંચાઈ પરથી ધક્કો માર્યો. ત્યારબાદ છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી.” અને એ છોકરાનો એ સળગતો ‘પ્રશ્ન’ ફરી મારા મગજમાં ઘૂમરાવા લાગ્યો.

           બીજી તરફ, મને થયું કે માતા-પિતાને તો પૂજવા જ જોઈએ હો.. એવું આપણા શાસ્ત્રોમાં કે પૌરાણિક ગ્રંથોમાં લખ્યું છે. અને એવું ન કરે એ વ્યક્તિ તો ‘સંસ્કારહીન’ કહેવાય.

            શાળા છૂટ્યા બાદ ઘર તરફ જતાં શહેરના મેઈન રોડ પર કે જ્યાં સૌથી વધારે ભીડ રહે છે તે માર્ગ પર પહોંચી. મારાથી ‘ડબલ મોટી ઉંમરનો એક વ્યક્તિ’ મારી સામું તાકી-તાકીને જોતો મારી આગળ નીકળ્યો. પછી તેણે સ્કૂટર ધીમું પાડી હું આગળ નીકળું તે માટે ધીમે ચલાવવા લાગ્યો. ત્યારપછી તો બેએક વખત આવી જ રીતે તેણે ઓવરટેક કર્યું. મેં બ્રેક મારી ત્યાં તો તે ઝડપથી ભાગી ગયો. મને ‘પ્રશ્ન’ એ થયો કે મેં કવરઅપ કરેલું હોવાથી એ ઘરડાંને મારો ચહેરો તો શું મારી આંખો પણ દેખાતી નહોતી તો એ ક્યાં પ્રકારનો આનંદ લઇ રહ્યો હશે? એ માણસના એ વર્તનને એની ‘પ્રકૃતિ’ કહેવી કે ‘વિકૃતિ’...?? પરંતુ અમુક પ્રશ્નો ‘પ્રશ્નો’ જ રહે છે. જેમકે, ઉનાળો શરુ થતાં શાળામાં ટીપુંય પાણી ન હોય તો બાળકોને ઘરેથી બોટલ ભરીને લાવવાનું કહી શકાય પણ “શૌચાલય” ન હોય તો...........????!!!!

          સળગતા વિચારોના ભડકાને શાંત કરવા ઘરે આવી મેં ટી.વી. શરુ કર્યું. ન્યુઝચેનલમાં પહેલા જ સમાચાર સંભાળવા મળ્યાં, “૧૦ વર્ષની દીકરી પર તેનાં જ ‘પિતા(!!)’ દ્વારા શારીરિક શોષણ.”

         ત્યાં જ ફોનની ઘંટડી વાગી. મારી એક બહેનપણી મીનાનો એ ફોન હતો. તેણે મને  અમારી બીજી બે બહેનપણીઓ સીતા અને ગીતા વિષે જાણ કરી. સીતા એક અબજોપતિ પતિની પત્ની અને આજે તેને ત્યાં ત્રણ દીકરીઓ પછી એક દીકરાનો જન્મ થયો હતો. વૃદ્ધાવસ્થામાં સાચવનાર આવી ગયો. આ એક સારા(!!) સમાચાર હતા. અને ગીતાએ સંતાનપ્રાપ્તિ ન થવાના કારણે આત્મહત્યા કરી લીધી હતી. ફોન કપાઈ ગયો.

       ટી.વી. પરના ન્યુઝ નાટ્યાત્મક રીતે આગળ વધી રહ્યાં હતાં, “બ્રેક બાદ જુઓ કુદરતનો એક કરિશ્મો...” હું ટી.વી. સામે ગોઠવાઈ ગઈ. કોથળામાંથી બિલાડું નીકળું, “૬૫ વર્ષની ઉંમરે મહિલાએ બાળકને જન્મ આપ્યો.” સારું થયું ચાલો, કે કોઈકના ઘરે પારણું બંધાયું. પરંતુ... જીવનના કેટલા બધા વર્ષો સુધી એ સ્ત્રીને શારીરિક અને માનસિક ત્રાસ સહન કરવો પડ્યો હશે...! વિચાર મને એ આવતો હતો કે આમાં ‘કોણ’ ‘કોને’ સાચવશે..? વૃદ્ધાવસ્થામાં પોતાને સાચવવા અને મૃત્યુ બાદ સંપતિને સાચવવા માટે જ તો મોટાભાગના માં-બાપ સંતાન(દીકરા) ને જન્મ આપતા હોય છે. એક કારણ ‘લોકોના મેણા’ પણ હોય છે. કે જે લોકોનો રોલ તમારે ત્યાં સંતાનમાં દીકરાનો જન્મ થઇ જાય પછી પૂરો થઇ જાય છે. પછી તમે જાણો અને તમારાં બે, ચાર કે પાંચ જેટલાં હોય એટલાં જાણે.......!!

       આમ, સવારથી જ મારા વિચારોમાં જે ‘હોળી’ પ્રગટી હતી તેમાં આખા દિવસ દરમિયાન બળતણ હોમાયે રાખ્યું. પરંતુ સાથે-સાથે એ છોકરા દ્વારા જે ‘પ્રશ્ન’ ઉપસ્થિત થયો હતો તેનો ઉપાય પણ મળી ગયો હતો. વિચારવા જેવું તો એ છે કે તેનો ઉપાય મને શાસ્ત્રો કે પુરાણોમાં કહેવાયેલી કથાઓમાંથી જ મળ્યો.

        શ્લોક ની સમજુતી બાકી હતી તો બીજા દિવસે વર્ગમાં જઈ અને બે પૌરાણિક પાત્રો બાળકો સમક્ષ રાખ્યા. પહેલું પાત્ર એટલે એ કે જેની માતૃ-પિતૃભક્તિ આજે પણ પ્રખ્યાત છે. હા.. એ વ્યક્તિ એટલે ‘શ્રવણકુમાર’. અને બીજું પાત્ર એટલે એ કે જેના ખુદના જ સ્વજનોએ તેને પીડા પહોંચાડવામાં કંઇજ બાકી રાખ્યું ન હતું. એ જ વ્યક્તિનું નામ હોળીના તહેવાર સાથે જોડાયેલું છે. હા.. ‘ભક્ત પ્રહલાદ’.

         એક શિક્ષક તરીકે હું મારા વિચારોને બાળકો ઉપર કેવી રીતે થોપી શકું..? કોઈપણ પરિસ્થિતિ, વ્યક્તિ કે ઘટના માટે કોઈપણ વ્યક્તિના તેના અનુભવના આધારે અંગત મંતવ્યો હોઈ શકે એ મને સમજાઈ ગયું.

          અને એ છોકરો કે જેને પ્રશ્ન થયો હતો તેને જોયો ત્યારે એક મુવીનું સોંગ યાદ આવી ગયું,

ઇક દિન કિસી ફકીરને ઇક બાત કહી થી,

અબ જા કે દિલને માના, માના વો બાત સહી હે....

કિ

જિસકા કોઈ નહિ.. ઉસકા તો.. ખુદા હે યારો...