(આ પોસ્ટ મૂંઝવણ-નિવારણ પાર્ટ-૨ છે. આ પોસ્ટ વાંચતા પૂર્વે પાર્ટ-૧ વાંચવા આ લિંક પર ક્લિક કરો. http://truptan.blogspot.in/2017/03/blog-post_29.html)
(૩) સરકારશ્રી શું કરી શકે? :
સરકારે આમ કરવું જોઈએ કે તેમ નથી કર્યું.... એવું કઇ લખવા કરતાં મારે સરકારના એવાં થોડા નિર્ણયો લખવા છે કે જેના દ્વારા બાળમજૂરી અમુક અંશે અટકી હોય તેવું મેં અનુભવેલું છે. જેમકે,
- મધ્યાહન ભોજનનું જમવાનાં બહાને પણ આવા છોકરાઓ શાળાએ આવે છે.
- શિષ્યવૃત્તિ પેટે મળતી સહાય તેમને ખુબ ઉપયોગી થાય છે.
- ધોરણ-૮ પાસ હોય તો જ driving licence નીકળે. આ નિયમને કારણે વાલીઓ પર પણ તેમના છોકરાઓને શાળાએ મોકલવા દબાણ પડ્યું છે. અંતે તો.. કોઈપણ બાળકને કામ કરવા જવું પડતું હોય તો તેની પાછળ મુખ્ય જવાબદાર તો તેના માતા-પિતા જ કહેવાય. આવા કડક નિર્ણયો દ્વારા જ આવા વાલીઓને પાઠ ભણાવી શકાય.
આ દુષણને અટકાવવા શિક્ષકો કે જવાબદાર નાગરિકો ગમે તેટલા પ્રયાસો કરે પણ સરકારશ્રી દ્વારા લેવાયેલા આવા રચનાત્મક પગલાઓ જ વધારે અસરકારક નીવડે છે.
હવે રહી વાત મારી.. તો શિક્ષક તરીકે બનતા બધાજ પ્રયત્નો તો હું કરું છું. પણ અહી મારે મારા વર્ગનો એક નાનો એવો પણ મહત્વનો બનાવ લખવો છે.
મારા ક્લાસનો એક ખુબ જ મોજીલો, રમતિયાળ અને હોશિયાર છોકરો અચાનક જ ઉદાસ રહેવા લાગ્યો. હંમેશા બીજાને હસાવતા એ છોકરામાં ફેરફાર લગતા મેં તેને પૂછ્યું પણ તે કાંઈ બોલ્યો નહિ. પણ તેની બાજુમાં બેઠેલો તેનો ભાઈબંધ બોલી ગયો, “ટીચર, તે કામ ગોતે છે... તેને કામે જવું છે...” મને ધ્રાસ્કો લાગ્યો તો મને થયું આ બાબતે મારે તેના વાલી સાથે વાત કરવી જોઈએ. મારા મનના ભાવ વર્તાવા ન દઈ, વાતાવરણ હળવું રાખી બીજા દિવસે તેના મમ્મીને સાથે લઇ આવવા કહ્યું. પણ મને બધી જાણ થઇ ગઈ હોવાથી તે મનમાં ડરી ગયો હશે. બીજા દિવસે તે શાળાએ ન આવ્યો. ચાર-પાંચ દિવસ ન દેખાયો. હું તેની ઘરે જવાનું વિચારતી હતી ત્યાં જ તેના મમ્મી બપોરે તેની બહેનને મુકવા આવ્યાં હોવાથી મળ્યાં. મેં પૂછપરછ કરી તો તેમણે ઘરની પરિસ્થિતિ વિશે બધી જ વાત કરી. મેં તેમને તેમનો છોકરો ભણવામાં કેટલો હોશિયાર છે તેની બધી વાત કરી. તેના મમ્મી કહે, “હેં... બેન, મારો અંકિત એટલો બધો હોશિયાર છે..? અમે મા-બાપ તો આખો દિવસ કામે જાઈ છીએ. છોકરાવ શું ભણે છે એ જોવાનોય ક્યાં વેંત હોય છે...? અને અમે ક્યાં એટલું ભણ્યાં પણ છીએ... પણ.. બેન, સારું કર્યું તમે મને કીધું... બેન.., હું દિ’ રાત મહેનત કરીશ. પણ મારા છોકરાને ભણાવીશ..”
આમ, મારાથી અનાયાસે જ એક બાળકને કામે જતાં રોકવાનો પ્રયાસ થઇ ગયો. ખરેખર, સમયસરની આપણી લીધેલી થોડી કાળજીથી (કે જે આપણી ફરજ જ છે) કોઈના જીવનમાં ધાર્યા બહારનું પરિવર્તન આવતું હોય છે... સાચા દિલથી એકાદી કોશિશ તો કરીએ, કદાચ કોઈ સારું પરિણામ મળી જાય...
એક શેર મને ખુબ જ ગમે છે..,
“दौडने दो इन नन्हें नन्हें कदमों को खुले मैदानो में,
जिन्दगी बहुत भगाती है बचपन गुज़र जाने के बाद ।।“
Supper
ReplyDelete🙏
Deletekhub saras
ReplyDeleteઆભાર વિપુલભાઈ... 🙏
Delete