“કથા સુણી સુણી ફૂટ્યાં કાન,
તો’ય ન આવ્યું બ્રહ્મજ્ઞાન!”
અખા કથિત આ હકીકત સામે પક્ષે વિચારીએ તો “કથા કહી કહી થાક્યાં મુખ, તો’ય ન અપાયું બ્રહ્મજ્ઞાન!” આવા વિચારો ઘણી વખત આપણને આપણા વર્ગમાં પણ આવતાં હોય છે. આપણી સામે બેઠેલા માત્ર આપણી સામે જોતા જ હોય તેવું લાગે. આ લોકો આપણને સંભાળતાં તો હશે ને એવાં પ્રશ્નો પણ મનમાં થાય.
પરંતુ આજે તો જયારે ધોરણ-૮માં ‘સંસ્કૃત’ ‘मनुष्य सिंहयो: मैत्री’ પાઠના સ્વાધ્યાયમાં આપેલ સુચના મુજબ શ્રુતલેખન કરાવ્યું તે દરમિયાન મને ખુબ જ નવાઈ લાગે તેવું થયું.
![]() |
| શ્રુતલેખન |
ના.. ના.. આ પેરેગ્રાફ ‘સાંભળીને’ તેઓએ લખ્યો એ નવાઈ નહોતી. નવાઈ તો એ હતી કે હજુ તો હું “सिंह: तस्या रक्षणाय” બોલું ત્યાં તેઓ “प्रयत्न अकरोत्” બોલી નાખે. હું “दु:खित: सिंह:” બોલું ત્યાં તેઓ “नद्या: तटे अतिष्ठत् ” બોલી પાછળનું આખું વાક્ય લખી પણ નાખે. અને આમ તો આખા પેરેગ્રાફમાં તેઓ બોલ્યાં. મને નવાઈ લાગી તો મેં પૂછ્યું કે, “શું આખો પાઠ તમે ગોખી નાખ્યો છે...?” તો તેઓ એ કહ્યું કે, “ના.. ટીચર, તમે કાલે આખો પાઠ પિક્ચર સ્વરૂપે બતાવ્યો હતો ને...? તો એ સમગ્ર ઘટના એક પછી એક અમને દેખાતી હતી...!”
अहो आश्चर्यम् ! હું વિચારમાં પડી ગઈ અને એ લોકો જયારે ધોરણ-૬માં હતા ત્યારનો એક દિવસ મને યાદ આવી ગયો. સર્કસની મુલાકાતને લાગતો અંગ્રજીમાં એક પાઠ એ દિવસે લેવાનો હતો. મેં પૂછ્યું, ”સર્કસ જોયું છે?” તો તેમાંનાં ઘણાં એ ન’તું જોયું. તો મેં વિચાર્યું કે, “લાવ, આમને વર્ગમાં જ સર્કસ દેખાય તેવું કંઇક કરું.” પછી તો પાઠમાં જે જે પ્રાણીઓ આવતાં ગયાં તેના વિષે હું પૂછવા લાગી કે, “દેખાયો હાથી?” તો તેઓ કહે, “ક્યાં છે હાથી? કાંઈ નથી દેખાતો...” વળી પાઠ આગળ ચાલે ને હું પૂછું, “દેખાયો સિંહ?” આ વખતે મેં સિંહનું એવું વર્ણન કર્યું હતું કે એક-બે ને દેખાઈ ગયો. પણ મને તો બાકીનાં છોકરાંઓને જોવાની મજા આવતી હતી. આપણે નાના હતા ત્યારે ટી.વી.માં સિગ્નલ જતું રહેતું અને આપણે જેમ અગાશીમાં જઈને કેબલની છત્રીનો પાઈપ ફેરવતાને..... તેમ જ એ લોકો પણ સિંહને જોવા માટે પોતાના ડોળા ફેરવતા હતા! પણ, પાઠના અંતમાં આવતા ચિમ્પાન્ઝીને તો લગભગ બધાએ જોયો. આમ, અમને બધાને એ દિવસે સર્કસ જોવાની ખૂબ મજા આવી હતી હો. ત્યારથી તો લગભગ બધા જ પાઠ હું તેમને આમ જ પિક્ચર સ્વરૂપે બતાવવા લાગી. આમાં મારે શાળાનું કોમ્પ્યુટર કે બાયસેગ બંધ હોય તો પણ ચિંતા કરવાની શું જરૂર હતી..?
તેમણે લખેલ સંસ્કૃતનાં ફકરાઓ વાંચીને મને તો ખૂબ આનંદ થયો, પરંતુ તેઓ પણ આજે કંઇક અલગ જ ઉત્સાહમાં હતા, કેમ કે, આજે તેઓ ઘરેથી લાઈવ મોડ્યુલ્સ બનાવીને લાવ્યા હતાં. ‘Tejaswini’s Bicycle’પાઠમાં આવેલ તેજસ્વીનીની સાઈકલ જ્યારથી તેમના ધ્યાનમાં આવી છે, ત્યારથી થોડાક દિવસો થાય એટલે તેઓ એમ કહે કે, ”ટીચર, અમે પણ કાંઇક બનાવી આવીએ?”
આજે તો ધોરણ-૭ અને ૮ બંને એ મળીને સરસ વસ્તુઓ બનાવી હતી અને નાનું એવું પ્રદર્શન પણ ગોઠવી નાખ્યું હતું. અમારા સંદીપે તો વર્કિંગ સ્પાઈડર બનાવ્યો હતો. રાહુલે લીફ્ટ વાળું ઘર તો મનોજે લાઈટ અને પંખો ચાલુ થાય તેવું ઘર બનાવ્યું હતું, લલિતે પવનચક્કી તો ભાવેશે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરીને હોવરક્રાફટ બનાવવાનો પ્રત્યન કર્યો હતો. અજય કાગળનું એક પ્લેન બનાવી લાવ્યો હતો. પ્લેનમાં નીચે પણ એક લાંબી લાઈન લટકતી હતી. મેં પૂછ્યું કે, પ્લેન તો બરોબર પણ આ નીચે શું લટકાવ્યું છે ? તો તે કહે, “ટીચર, એ તો ધુમાડો છે!” અને અમે બધા હસી પડ્યાં. વાહ... ભાઈ વાહ.... શું મજા આવી હો... આ રહી એ મજાની ક્ષણો....
![]() |
| પેરિસ્કોપ |
![]() |
| લીફ્ટવાળું ઘર |
![]() |
| લાઈટ પંખાવાળુ ઘર |
મને થયું કે આ બધામાં મારો શું રોલ હતો....? એક કથાકારનો ? ના... ના... આપણે પ્રાયમરી ટીચરે કોઈ કથા કરવાની જ ક્યાં જરૂર છે! એ મને સમજાઈ ગયું.... મેં તો માત્ર આંગળી ચિંધી હતી. “હે...એઈ.... આમ કરી નાખ... હે...એઈ.... તેમ કરી નાખ” બાળકોને પટ્ટાવાળા ગણીને આવી આંગળી ચિંધવા કરતા મને તો પ્રવૃત્તિઓ તરફ આંગળી ચિંધવી વધુ ગમે છે હો...
સાથે સાથે મને એ પણ વિચાર આવ્યો કે મારા વર્ગમાં આ જે પ્રવૃત્તિ ચાલી રહી છે તેને જો બહારથી કોઈ જુએ તો એમ જ માને કે વર્ગમાં ‘અશિસ્ત’ જેવું વાતાવરણ છે. રીસેસનો બેલ પડ્યો પણ મારા વિચાર થંભ્યા નહિ, અને મને એક શાળામાં ‘શિસ્ત’વાળો જે વર્ગ જોવા મળ્યો હતો તેની યાદ આવી. નાનાં ધોરણનો ક્લાસ હતો એ. કેવાં મસ્ત રમકડા જેવા હતાં એ બાળકો ! પરંતુ રમકડાની દુકાનમાં ગોઠવાયેલા હોય એવા જ લાઈનબદ્ધ, નિ:શબ્દ અને બેજાન !!! એ વર્ગનું ‘શિસ્ત’ જોઈ મને એ વખતે વિચાર આવ્યો હતો કે, આ છોકરાંઓ ટચલી આંગળી ઊંચી કરતા પણ બીતાં હશે હો! મિલેટ્રીમાં ટ્રેઈનર તરીકે ચાલે એવા શિક્ષક લાગ્યા મને એ! ખરેખર, આવા શિક્ષકો વિશે મને ખૂબ પેટમાં બળે છે અને પ્રાયમરીમાં આવા ‘શિસ્તઆગ્રહીઓ’ નો વિકાસ રૂંધાતો(!) હોય તેવું લાગે છે.... એવા બધા તો માસ્તર કહેવાય કે રીંગમાસ્તર!!!
શાળા છૂટ્યા બાદ ઘરે જતાં રસ્તામાં હું આખા દિવસ દરમિયાન બનેલ ઘટનાઓ તેમજ મારા વિચારોમાં આવેલ બાબતો વિશે જ્યારે વિચારતી હતી તો મને લાગ્યું કે આ બધા દ્વારા ‘‘ઘડતર’’ કોનું થતું હતું ?? હા.. એક શિક્ષક તરીકે ‘’મારું’’. જો મારું ઘડતર થશે તો મારા વિદ્યાર્થીઓનું આપોઆપ થઇ જશે.
જેસ્સીકા કૉક્ષ વિશે જ્યારે હું વાંચુ છું, સુધા ચંદ્રન(રમોલા સિકન)ના જીવન વિશે જ્યારે હું સાંભળું છું અને ઉત્તમ મારૂ જેવા અવતારોના જ્યારે હું દર્શન કરું છું ને ત્યારે ત્યારે મારું ઘડતર થાય છે. ના... હું આવી નહોતી પહેલા, પણ ધીમે ધીમે હું પણ ઘડાઈ રહી છું!!
‘‘પાકે ઘડે કાંઠા નો ચડે’’
ચડે....? મને શું ખબર ??
હું તો રોજ ભાંગીને ભુક્કો થઇ
અને
પાછી નવો આકાર શોધુ છું....














