નવો દિવસ, નવા અનુભવો. શાળા તરફ જવા મારી સવારી ઉપડી. રસ્તામાં ચાર નાના-નાના પગ મોટી-મોટી ફલાંગો ભરતા શાળા તરફ જતાં જોવા મળ્યાં. દરરોજ મુજબ આજે પણ એ અજાણી આંખો (કે જે હવે જાણીતી બની ગઈ છે) સામે જોઈ હું હસી. તો સામે તેઓ પાટિયા જેવડા ચહેરા કરી હસ્યાં. આગળ જતાં ઘરથી શાળાના રસ્તે આવતું એકમાત્ર હજારો ચકલીઓના કલબલાટવાળું બોલતું વૃક્ષ માણ્યું. ખબર નહિ કેમ પણ આપોઆપ ત્યાં પહોંચતાં સ્પીડ ઘટી જાય... આગળ જતાં સ્કૂલબસ, શાળાની રિક્ષાઓ અને તેમાં લદાયેલાં આંખોના ડોળા સિવાય બીજું કઇજ ન હલાવી શકનારા સામાન સમાન બાળકો દેખાયા...
જેવી શાળાના મેદાનમાં પહોંચી કે છટ્ઠા ધોરણનો પંકજ હાંફળો ફાંફળો થતો મારી પાસે આવ્યો અને રસ્તામાં તેની પાછળ એક ગાંડી કેવી દોડી અને પોતે કેવી રીતે શાળાએ પહોંચ્યો એ કહેવા લાગ્યો. મેં એને ન ડરવાનું આશ્વાસન આપ્યું. પણ પોતે તો બહાદુર છે એવું જતાવવા બોલ્યો, “ટીચર, એમ કાંઈ મને બીક નથી લાગતી, પણ..” “પણ શું?” મેં પૂછ્યું. તો કહે, “પણ ટીચર, વળતાં ઘરે જતાં તે ત્યાં હશે તો નહિ ને..?” પછી તો બે અંગરક્ષકો તેને ઘર સુધી મુકવા જવા તૈયાર થયા.
આ.. હા.. હા.. કેવા કેવા અનુભવો થતાં હોય છે ઘરથી શાળા અને શાળાથી ઘર પહોંચતા. આવા તો રોજેરોજ કોઈ ને કોઈ બનાવો બાળકો મને કહેતાં હોય છે. મને મારા બાળપણના અનુભવો પણ ઘણી વખત યાદ આવી જાય. ખરેખર... બાળકોને ઘરેથી ચાલતાં જઈ શકાય તેવી શાળામાં બેસાડવા જોઈએ તેવું મને લાગ્યું.
શાળાની લોબીમાં પહોંચી ત્યાં મારું ધ્યાન એક ટેણીયા પર પડ્યું. પાણીના નળ પાસેથી પ્રાર્થનારૂમ સુધીની લાં...બી સફર પૂરી કરવા તેણે હો..ઈ..ન.. કરી કોઈ અદૃશ્ય સ્કૂટર શરુ કર્યું. થોડું આગળ ચાલ્યું ત્યાં તો જાણે એના હાથમાં કોઈ ઘોડાની લગામ આવી ગઈ હોય એમ કૂદી કૂદીને આગળ ચાલવા લાગ્યો. કલ્પનાના ઘોડા પર થોડીવાર સવારી કરી ત્યાં તો રામ જાણે... તેના હાથમાં કોઈ ગાડીનું સ્ટીઅરીંગ ક્યાંથી આવ્યું અને સ્ટીઅરીંગને ગોળગોળ ઘુમાવતો વર્ગમાં ઘૂસી ગયો..
ત્યારબાદ હું મારા વર્ગમાં ગઈ તો મને નીચેના દૃશ્યો જોવા મળ્યાં.
શું કોઈ કલ્પી શકે કે આ ક્યાં Educational Topic ને તેઓ પ્રેક્ટિકલ કરી રહ્યાં હશે..?
મેં તેમને પૂછ્યું તો કહે, “ટીચર, કાલે Comparative Degree શીખ્યા ને.. તો ચકાસીએ છીએ કે કોણ બળવાન...? ખરેખર, આપણે એમ માનીએ કે ભણાવવાનો એક ટોપિક પૂરો થયો.. પણ તેમના માટે તો ત્યાંથી જ તેની શરૂઆત હોય છે.
તેમની આ રમત દ્વારા મને ધવલમાં જે પરિવર્તન અનુભવાયું તે મારે તમને કહેવું છે. ધવલ ધોરણ ૮ માં જ અમારી શાળામાં નવો દાખલ થયો હતો. કાંઇ બોલે જ નહિ, ન હસે, કંઇ પૂછીએ તો જવાબ ન આપે. હું ઘણી કોશિશ કરતી તો બીજા છોકરાઓ કહેતાં કે, “ટીચર.., એ ખોટાળો છે. અમારી સાથે વર્ગની બહાર તો એ ખૂબ મસ્તી કરે છે..” ત્યારબાદ મેં પણ તે અનુભવ્યું કે આ છોકરા ને માત્ર વર્ગની જ એલર્જી હોય તેવું કઇક જરૂર છે. તેના મમ્મીને બોલાવી પૂછ્યું. તો કહે, “બેન.. એ નિમ્ભર બની ગયો છે... પેલી શાળામાં ધવલના શિક્ષક ખુબ જ સ્ટ્રીક્ટ હતા...” અને આથી ધવલને તો ખબર જ નહિ કે કોઈ ટીચર આપણી સાથે મોટા બહેનની જેમ પણ રહી શકે...
હા.. આવા ઘણાં નાના-નાના બાળકોને ‘ટીચર ટીચર’ રમતા મેં જોયા છે. હાથમાં સ્કેલ લઈને જે સટાક સટાક તેઓ નીચે જમીનમાં ફટકારે ને.. ધોરણ ૭ હિન્દીમાં સમયસારણી પાઠના આધારે વિદ્યાર્થીઓને પરીક્ષાની પૂર્વ તૈયારીરૂપે તેમનું ખુદનું ટાઈમટેબલ બનાવવા કહ્યું હતું. બધા સરસ બનાવી લાવ્યા. પરંતુ એક છોકરો ટાઈમટેબલની પાછળ પણ કંઇક લખી લાવ્યો હતો. મેં પૂછ્યું તો કહે, “ટીચર, ટાઈમટેબલનો સમય હું ચુકી જઈશને તો સજારૂપે આવું બધું કરીશ- ઉઠક બેઠક.. ફટકા મારવાના વગેરે.. વગેરે..” મેં પૂછ્યું, ‘ફટકા કોણ મારશે?” તો કહે, “મારા મમ્મી છે ને..” ....!!!... મને તો સમજાતું જ નથી કે આવા બધા મારપીટવેડા ક્યાં સુધી ચાલશે..?
પણ મારે તો વાત ધવલની કરવી છે... સાવ અજાણ્યાં બાળકો સામે હસીને મારા દિવસની શરૂઆત હું કરતી હોય અને મારા જ વર્ગનો કોઈ છોકરો આવું કરે એ મને કેમ ગમે..? એના ઉપાય માટે મેં પણ વર્ગમાં એક ખાસ સજા દાખલ કરી દીધી “જે છોકરો સજાને પાત્ર હોય એ ધવલને હસાવે..” અને પછી તો દરરોજ કોઈને કોઈ સ્વરૂપે ધવલ પર આ સજા અજમાવવામાં આવી. તો જુઓ તે આજે હસે છે.... ખુબ જ હસે છે...ઈશ્વર તેને હવે પછીની વિદ્યાર્થીકાળની સફર આવી જ રાખે...
શાળા છૂટ્યા બાદ ઘર તરફ જવા શાળાનાં પગથીયા ઉતરતી વખતે પાંચમાં ધોરણનો એક છોકરો એક ફિલ્મનું ગીત ‘એ,બી,સી,ડી,ઈ.એફ.જી,એચ,આઈ....” ગાતો સંભળાયો. મને જોઈ ગાતો બંધ થઇ ગયો અને મારી સામે લુચ્ચું હસ્યો. જાણે કહેતો ન હોય કે ટીચર, તૈયાર રહેજો.... આવતા વર્ષે તમારે અમારી સાથે નવેસરથી સફર શરૂ કરવાની છે....
ઘર સે મસ્જીદ હૈ બહોત દૂર,
ચલો યું કરલે,
કિસી રોતે હુએ બચ્ચે કો
હસાયા જાયે...!





Your naturally photography says many more than your post.
ReplyDelete😊 આભાર ઘુમાલિયા સાહેબ...
DeleteWah khub saras... Facebook par title joi ne ahi sudhi pahochvu j pade 6....
ReplyDeleteઆભાર ભાઈ..
DeleteAmazing experience. ..which v can get nly in d eyes f small children
ReplyDelete😊👍
Delete