Sunday, 19 March 2017

રવિવાર

     રવિવાર !! હા, આજે રવિવાર એટલે છુટ્ટી. “શિક્ષકો વિદ્યાર્થીઓમાંથી છૂટ્યા અને વિદ્યાર્થીઓ શિક્ષકોથી...!!” – મોટે ભાગે શાળાકીય રવિવારની વ્યાખ્યા એટલે આ જ.

           પણ આજે તો આ વ્યાખ્યાને સાવ ખોટી જ પાડનાર દૃશ્યો જોવા મળ્યાં.

        સવારે મારા કિચનની બારીમાંથી બહાર જોયું તો આશરે સાત-આઠ વર્ષના બે છોકરા અને એક છોકરીને કમ્પાઉન્ડ વોલ પર બેઠેલા જોયા. અમારા એપાર્ટમેન્ટની ફરતે વોલ છે અને તેની પેલી બાજુ એક ખેતર છે. ત્યાંથી એ લોકો આ બાજુ ચોરી છુપીથી આવવા કોશિશ કરતા હતા. કોઈ જોતું નથીને... એનું તેઓ ખાસ ધ્યાન રાખતા હતા. કોઈ શાકભાજીવાળાએ “શાક લ્યો, શાક” એવી બૂમ પાડી તો ડરીને પાછા પેલી બાજુ કુદી પડ્યા.... અરે ભગવાન... માંડ ચડ્યા હતાં હો... ફરી થોડી વાર પછી ડોકાયા. વોલની બાજુમાં જમા થયેલો થોડો કચરો, કાગળ વગેરે હતા. તેમાંથી કંઇક વીણી-વીણીને તેઓ બે ત્રણ વખત લઇ ગયા. દિવાલની પેલી બાજુ બેસીને તેઓ કંઇક કારીગરી કરતા હોય તેવું લાગ્યું ! પણ... હજુ તો હું ક્યાં પૂરેપૂરી તેમની દુનિયા સુધી પહોંચી છું ? એટલે હું સમજી શકી નહી.... આ “કચરા”નું તેઓ શું કરતા હશે ? એવું વિચારતા વિચારતા મને ગઈકાલનો શાળાનો દિવસ યાદ આવ્યો...

             અંકિતના હાથમાં કંઇક થેલી જેવું દેખાયું, તો મેં પૂછ્યું, "માજીની મંદિરની થેલી જેવું શું છે તારા હાથમાં?" "ટીચર શાળા પણ સરસ્વતીનું મંદિર જ છે ને...? તો થેલી લઇ ને આવવું જ જોઈએને..." (કદાચ બાળકોએ જ 'શાળા એ સરસ્વતીનું મંદિર છે' એ  વ્યાખ્યા ટકાવી રાખી છે.) એમ કહીને એણે મને થેલી બતાવી. 


           એ થેલીની અંદર પણ મને કંઇક દેખાયું, તો મેં પૂછ્યું, “આ શું છે?” તો કહે,”ટીચર, મેં એક પઝલ બનાવી છે, કરીને બતાવું?” તો મને નીચે મુજબની પઝલ જોવા મળી. 




          આ હા.. હા... ક્રિષ્ના શીંગ-દાળિયાવાળાને ખબર પણ નહી હોય કે તેની કંપનીનાં રેપરનો ઉપયોગ કરીને કોઈ બાળક થેલી પણ બનાવતું હશે... બુકની કંપનીને પણ ખબર નહી હોય કે તેમને બનાવેલ ચોપડાના કાર્ટુનવાળા પૂંઠામાંથી કોઈ બાળક પઝલ્સ પણ બનાવતું હશે. અમીર માબાપના નબીરા બાળકો મોંઘાદાટ રમકડામાંથી જે આનંદ કે આવડત નહી મેળવતા હોય તે આ બાળકો સાવ સામાન્ય વસ્તુઓમાંથી મેળવી લેતા હોય છે. પછી તો અમે બધા એ પઝલથી ખૂબ રમ્યાં. ક્યારે રીસેસ પડી ગઈ ખબર પણ ન પડી. 

         રીસેસમાં બહાર નીકળી, તો પાંચમાં ધોરણનો કરણ કંઇક કારીગરી કરતો દેખાયો. મેં કહ્યું, “બતાવ જોઈ શું કરશ?” તો કહે, “અત્યારે નહી ટીચર, રીસેસ પછી.” વર્ક ઇન પ્રોગ્રેસ લાગે છે એમ વિચારી હું આગળ ગઈ. મારા વર્ગ પાસેથી નીચે મેદાનમાં પહેલા બીજા ધોરણનાં પાંચ-સાત છોકરા દોડાદોડી કરતા દેખાયા. મેં જોયું કે તેઓ એક રંગબેરંગી પતંગિયાને પકડવાની કોશિશ કરતા હતા. પતંગિયું જે બાજુ જાય એ બાજુ દોડે હો... વાંસળીવાળો અને ઉંદરની વાર્તાની જેમ જ... ત્યાંતો એ... એ... એ... પકડાઈ ગયું.... રાજીના રેડ.... મને થયું એ... પતંગિયું ગ્યું.. નક્કી મારી નાખશે... પણ ના, છોડી દીધું. વળી, પતંગિયું ઉડ્યું. તેઓ ફરી પકડવા દોડ્યા. બે ત્રણ વખત પકડાયું અને છૂટ્યું. શું એ પતંગિયું હેરાન થતું હતું ? ના, બિલકુલ નહી. જો એમ જ હોય, તો એ ત્યાંથી ઉડીને ભાગી ન જાય. એ તો જાણે રીસેસની રાહ જોતું હશે કે, હમણાં ફૂલડાં સામેથી આવશે અને તેમના સ્પર્શ વડે મધુરતા બક્ષશે. 

           ત્યાં ઉભાઉભા બીજી તરફ વર્ગમાં નજર ગઈ, તો ધોરણ આઠનાં બાળકો જે કરતા હતા તે દેખાયું. 


           એ જોઈ મને વિચાર આવ્યો કે, ઘણી બધી શાળાઓ આ બાળકોએ બનાવેલાં પૂંઠાનાં ઘર જેવી જ હોય છે.... ખાલીખમ. સુવિધાઓ સારી અને શિક્ષણ ખોખલું. જોકે, એવી કોઈ શાળાને બાળકોના આ ઘર સાથે ન જ સરખાવી શકાય, કેમ કે, આમાં તો લાગણી, કલ્પના, મહેનત, અરમાન વગેરે જોવા મળે છે. એ બંનેની તુલના કરીને બાળકોનું અપમાન કેવી રીતે કરી શકું ? આવા વિચારો કરતી હતી ત્યાં રીસેસ પૂરી થવાનો બેલ વાગ્યો અને સામેથી પેલો કારીગર કરણ પોતાનું બનાવેલું રમકડું મને બતાવવા આવ્યો. 


          આ બધી જ વસ્તુઓ જોતા મને વિચાર એ આવ્યો કે, શાળારૂપી ચોરસ ખોખાંમાં આ બાળકો શિક્ષણ ‘લેવાં’ આવતા હોય એવું લાગે, પણ ‘મેળવી’ તો એ ક્યાં ક્યાંથી લેતાં હોય છે..... શીઇઈઈઈઈઈ.......... શીઇઈઈઈઈઈ.......... કુકરની સિટી વાગી અને હું વિચારોની દુનિયામાંથી વાસ્તવિકતામાં એટલે કે રવિવારના દિવસમાં પાછી આવી ગઈ. 

          મારા વિચારો ખૂટ્યા પણ પેલાં ત્રણ છોકરાંઓની ગતિવિધિઓ ચાલુ હતી. અમારા એપાર્ટમેન્ટ સામું આંગળી ચીંધી કંઇક બોલતા હતા. મને થયું કે એ લોકો મને જોઈ ગયાં છે. પણ ના, એ લોકો મને જોઈ ગયાં નહોતા. પણ ઉપરથી નીચે એમ આંગળી ફેરવતા હતા. મેં વિચાર્યું કે, એક... બે... ત્રણ... એમ ગણતાં હશે કે શું ? શું આ ગણિતનો વર્ગ ચાલી રહ્યો હતો? 

          મને થયું કે હું ઉંચાઈ પરથી આ બાળકોની ક્રિયાઓને જેમ નિહાળી રહી છું, તેમ મારી ઉપરથી પણ બ્લ્યુ કાચમાંથી કોઈ મારી રોજબરોજની ક્રિયાઓની નોંધ લઈ રહ્યું હશે હો... ત્યાં તો, એક છોકરો દિવાલની આ બાજુ કુદ્યો. કચરામાંથી હાથમાં કંઇક લઇ અને સાથીદારની બાજુમાં વંડી પર બેસી ગયો. મને નીચેનું દૃશ્ય દેખાયું. 

            હા... તેઓ કંઇક વાંચતા હતા... વાંચતા શીખતા હતા... 

“આજે રવિવારે પણ વાંચતા હતા..?!?!? 

કે પછી 

એમને માટે સાતેસાત વાર 

‘રવિવાર’ જ હતા....!!!?”

7 comments:

  1. We have not a words for your creative activities and write in words for "sarvjanik" published.

    ReplyDelete
  2. Superb...rojbroj ni ghtnao bdha jota hse....JOTA....bt aane ky NIRIXAN...gud one

    ReplyDelete
  3. Superb...rojbroj ni ghtnao bdha jota hse....JOTA....bt aane ky NIRIXAN...gud one

    ReplyDelete