“હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને
કો’ક દરવાજો કરી દે બંધ તો ?”
- ચિનુ મોદી
છ મહિના – એક સત્ર થયું આ વર્ગ સાથે મને. એમની સાથે નો આ સમય યાદ કરું છું તો ખરેખર યાદગાર ક્ષણોના મહેલમાં આવી ગઈ હોય એવું લાગે! એવી જ થોડી એમની યાદગાર વાતો આજે લખવી છે.
- શરૂઆતના દિવસો યાદ કરું તો પોતાના જ અક્ષરે કંઇક લખેલું હોય અને ન ઉકલે ત્યારે મારી પાસે આવીને પૂછે,”જુઓ તો ટીચર, ‘મેં’ આ શું લખેલું છે?”
“સિલેબસમાં કેટલું છે?” એનાં કરતાં “મારા બસમાં કેટલું છે?” મારી જાતને મારા વડે પૂછાયેલા એ પ્રશ્નથી મેં શરૂઆત કરી હતી.
- “ટીચર, હજી રામાયણ ને મહાભારતની વાતો કરો ને..” પછી “એક આખો પિરિયડ આપણે વાતો જ કરીશું.” એવું promise હું આપું ત્યારે એમનો ભણવામાં જીવ ચોંટે.
- મને પગ દુઃખતો હોય અને હું લંગડાતી પગથિયા ચડતી હોય.. તો વિજય પણ મારી copy મારતો પગથિયા ચડતો ઝડપાય. હું દેખી જાઉં તો દાંત કાઢતો કાઢતો દોડતો ભાગે. એ પણ લંગડાતો!
- વર્ગમાં પ્રશ્નોત્તરી કરતા હોઈએ. ત્યારે જવાબ આપતો છોકરો ઊંચી આંગળી સહીત ઉભો થાય. આપણે ટોકીએ, “જવાબ આપતી વખતે આંગળી નીચી કરી નખાય.” તો કહે, “તો જવાબ ભૂલાઈ જાય છે, ટીચર..” મને થયું આમ કરવાથી જ સિગ્નલ મળતું હશે.!?
- તેમના કોઈપણ લખાણમાં 'રાઈટ' કરીએ ત્યારે જ જંપે. પછી ભલે એ એમનું હોમવર્ક હોય, કોઈ ચિત્ર હોય, કે પછી બોર્ડમાંથી જોઈ જોઇને લખેલું પરીક્ષાનું ટાઈમ ટેબલ હોય! મેં કહ્યું, “બોર્ડમાંથી જોઈ જોઇને ટાઈમ ટેબલ લખેલું હોય તો 'રાઈટ' કરાવવા ન આવો તો ચાલે. તો સોહમે ઘટસ્ફોટ કર્યો હતો, “ટીચર, હું અગાઉની શાળામાં ભણતો ને ત્યાં ટાઈમ ટેબલ પાક્કું કરાવતાં” !!
- ઘરેથી શાળાએ આવતા રસ્તામાં કઈ જગ્યાએ થાંભલો પડ્યો એ તો કહે.. પાછો થોડા દિવસ પછી થાંભલો લગાવાઈ જાય એના પણ તાજ્જા સમાચાર કહે.
- શનિવારે શાળાએ આવવાના ચોઇન્ટાઓ ક્યારેક કબૂલે પણ ખરા, “ટીચર, શનિવારે તો મજા આવે હો..!”
હા.. આવા જ હોય છે આ લોકો... વાતુડિયા, ચારાળા, રમતિયાળ, ભૂલકણા, ઉત્સાહી, મોજીલા.. એવી જ હોય છે એમની દુનિયા.., રમૂજી. અને એમાંય જો પાઠ્યપુસ્તક દ્વારા પણ એવી મોજીલી પ્રવૃત્તિઓ કરવાં મળે એટલે તો જલસા..
શાળાની લોબીના બોર્ડમાં આ શું લખ્યું છે એ વાંચી શકાયું નહિ. એટલે ‘દ્રાક્ષ ખાટી છે.’ ના જેવું વાક્ય સંભળાયું, “ટીચરે કૈક ત્રીજી ચોથી ABCDમાં લખ્યું છે.” એમ કરી વર્ગમાં ઘૂસી ગયા.
વર્ગમાં આવી તેમની પાઠ્યપુસ્તકમાં આપેલ એવીજ એક activity મેં તેમને બતાવી. થોડીવાર તો કાંઈ સૂઝ પડી નહિ. ચોપડી બેંચ પર રાખી સાઈડમાંથી ઉભા ઉભા જુએ. ચોપડી ઊંચી રાખી નીચેથી વાંચવાની કોશિશ કરે. પછી ધીમે ધીમે મેળ પડ્યો.
મજા તો ત્યારે પડે જયારે એક-બે છોકરાને આવી કોઈ પ્રવૃત્તિમાં ઊંડા ઉતારવાનું મન થાય અને ગુજરાતીમાં પણ નવી જ લીપી ઘડી કાઢે.
એક દિવસ કોઈક ચિત્ર દોરવાના સંદર્ભમાં મેં પ્રશ્ન પૂછ્યો, “ચિત્ર દોરવા માટે કઈ કઈ વસ્તુઓ જોઇશે તમારે?” તો કેટલી બધી જરૂરી વસ્તુઓમાં છેલ્લે ‘કાર્બનપેપર’ પણ ઉમેરાયું હતું. પણ પાઠ્યપુસ્તકના revisionમાં રહેલી poem ‘funny town’ માણી તો એક છોકરો એ ફન્ની ટાઉનમાં પહોચી ગયો હતો એ મને બીજા દિવસે ખબર પડી. ઘરેથી એ કાગળમાં બ્લ્યુ વૃક્ષો, ચાલતા પક્ષીઓ, ઉડતા માણસો વાળું ચિત્ર દોરી લાવ્યો હતો. મને થયું ચાલો એક ‘ક’(કલ્પના) એ બીજા ‘ક’(કાર્બનપેપર) નું રિપ્લેસમેન્ટ કરવાનું શરૂ કર્યું ખરું..
સત્રના અંતે તો જાણે ‘We shall all learn’ દ્વારા વચન આપતા ગયા હોય એવું લાગે છે :
જાણે કહેતાં ન હોય, “ટીચર, અમે શીખી રહ્યાં છીએ, શીખી જઈશું.. કોશિશ તો કરીશું જ.. કોઈ ને હોય કે ન હોય, તમે અમારા ઉપર ભરોસો રાખીને નિરાશ થયા વગર શીખવતા રહેજો. અમે ‘કંઈક’ તો શીખીશું જ...” આથી ‘મારી પાસે આવે ત્યારે કેવા હતા એના કરતા મારી પાસેથી જાય ત્યારે કેવા હશે..?’ એ વિચારને મગજમાં રાખી દ્વિતીય સત્રની રાહમાં...
“તું એવી મોસમ લાવી દે!
મુજને તારામાં વાવી દે!
ઊગવું છે પાછું કૂંપળ થઇ,
તું વસંત થઇ લલચાવી દે!”
-કુસુમબેન પટેલ







Uncommemtable! 😇
ReplyDeleteWhat a comment!😊
DeleteKhrekhar bov j Saras Lakho chho
ReplyDeleteAaje Puri post video sathe joi bov j adbhoot
Lakhta rhejo
Tamaro aabhar.. 🙏
DeleteKhub saras
ReplyDelete😊👍
DeleteVah khub j gamyu....abhinandan
ReplyDelete😊🙏
DeleteIt's really vary impressive blog. #Trupti ma'am content you are presenting to globe is precious. I'm alos writing a blog since two and half years https://binghuman.blogspot.com Just check it out.
ReplyDelete