Saturday, 10 June 2017

શરૂઆત

આવનારી સૌ ખુશીની વાત કરીએ
એક નવી શરૂઆતની શરૂઆત કરીએ

      ૫ જુન, શાળાનો પહેલો દિવસ. ધોરણ-૮ પાસ કરીને એક વર્ગ ગયો, નવો વર્ગ આવ્યો મારી પાસે ધોરણ-૬. નવું વર્ષ, નવા ચહેરા.

      ચહેરા નવા હતા પણ અજાણ્યા ન્હોતા. શાળાના છેલ્લા રૂમમાં પાણીની મોટરની સ્વીચ ચાલુ કરવા કે કોઈ વસ્તુ લેવા-મૂકવા જતાં ત્યારે વળતા મારા વર્ગનાં પાછલા બારણે આવીને ઘણી વખત આ છોકરા ઊભા રહી જતાં, કે મારા વર્ગમાં શું ચાલી રહ્યું છે એ જોવા... બસ આટલો અમારો પરિચય અત્યાર સુધીનો.

       શાળાનો પહેલો દિવસ અને પાછો વિશ્વ પર્યાવરણ દિવસ પણ ખરો. એ સંદર્ભથી અનાયાસે જ મારા વડે પુછાયેલો પહેલો સવાલ,“ આજે ક્યો દિવસ છે ?”

       વિશાલ : “ભીમ અગિયારસ....(એ ખોટો તો ન્હોતો!)

       ટીચર, મારા મમ્મી કહેતાં’તા કે આજે અમે કેરી ખાવાના...”!!!

 હર વખત શું મ્હાત થઇ જાવું દુઃખોથી ?
  ચાલ, આ વખતે દુઃખોને માત કરીએ.

       પછી તો બીજા ત્રીજા દિવસે જેમ જેમ ચહેરાઓ વર્ગમાં વધતાં ગયા તેમ તેમ વાતો, વિચારો, પ્રશ્નોની આપ-લે વધી. અમે એ દિવસે ‘વૃક્ષો’ વિશે ચર્ચા કરતા હતા. વૃક્ષોનાં ગુણો, ઉપયોગો વગેરે... વૃક્ષ સજીવ છે કે નિર્જીવ એ ચર્ચા ચાલી. 

         એક કહે,”સજીવ”

       બીજો ઉત્સાહમાં, ”એય કાકા... તારામાં મગજ છે કે નહિ... નિર્જીવ હોય... વાતવાતમાં નવી ચર્ચા શરૂ થઈ, “મગજ કેવું હોય ?” એક કહે, “ટીચર, જોયું નથી પણ ખબર પડી જાય... આનામાં મગજ છે કે નહિ?” બીજો કહે, “ટીચર, મને જેવી તેવી ખબર છે, મગજ કેવું હોય... દોરી દેખાડું ?” મેં કહ્યું, “બધા દોરો જોઈએ. જેને જેવું લાગે એવું દોરવાની છૂટ...” 

      ત્યાં તો લાગી પડ્યા બધા... એકે મગજનું ચિત્ર ગોતવા ધોરણ-૫ની ‘સૌની આસપાસ’ પુસ્તક કાઢી. તો બીજો કહે, “એય.... એમાં મગજ નહિ, હૃદય છે.” ત્યાં તેમનું ધ્યાન બારીમાં પડેલ ધોરણ-૮ની 'વિજ્ઞાન અને ટેકનોલોજી'માં પડ્યું. મધપૂડાની જેમ ત્યાં ચોંટી પડ્યા... પણ કાંઇ મેળ પડ્યો નહિ.... તો બધા મગજમાં જ ‘મગજ’ને શોધવા લાગ્યા... બધા પોતપોતાની કલ્પના મુજબ દોરવા લાગ્યા. આશ્ચર્યની વચ્ચે બધા છુટા-છુટા બેઠા હતા તો પણ મગજની આકૃતિ કે ચિત્ર એક સરખાં જ દોરાયા.... શું દોર્યું હતું ખબર છે? એક મોટું ગોળ... એમાં એક નાનું... એમાં વળી એક નાનું.... આમ, એકની અંદર એક એમ એકની અંદર એક આઠ દસ ચકરડાવાળું ચિત્ર તેમણે મગજનું બનાવ્યું.




        મોઢામાં પેન્સિલ નાખવાની આદત હોય ને... તો કરણથી ભૂલમાં સ્કેચપેન પણ મોંઢામાં નખાય ગઈ અને આમ, રંગીલો કરણ બહારથી પણ રંગાઈ ગયો....

બ્હારથી દેખાય જેવી સ્વચ્છ-સુંદર,
દોસ્ત, અંદરથીય એવી જાત કરીએ.

      મેં પૂછ્યું, “કરણ, લીલા કલરનું મગજ બનાવશ ?” તેનું ચિત્ર જોયું તો સમજાયું કે, ‘મગજ’ એના મગજમાં બેઠું નથી, તો મગજમારી કરવાનું છોડી તેને ઘર દોરવાનું પસંદ કર્યું.


     કરણનું ચિત્ર જોઈ ને મને એક હિન્ટ મળી ગઈ કે, ‘આ છોકરાને અંગ્રેજી ગમે છે.’ ઘર ઉપર પોતાનું નામ તેણે અંગ્રેજીમાં જ શા માટે લખ્યું? KARAN... બધા જ અક્ષરો પહેલી ABCDમાં !! બીજી ABCD સાથે તો જાણે ગયા ભવનું જ વેરઝેર ન હોય ! એ જે હોય તે.... પણ અંગ્રેજી એમને ગમે છે!

       એ દિવસે વાલીના કોન્ટેક્ટ નંબર હું લખતી હતી, તો તૈયબ બધા આંકડા અંગ્રેજીના બોલ્યો... ‘નાઈન... એઈટ.... ફાઈવ...’ બીજી હિન્ટ. અંગ્રેજી ‘તેમને’ ગમે છે! હા, એ વાત અલગ છે કે, મને કેટલુક ગમે છે? આવી નાની નાની હિન્ટસ દ્વારા જ મારે સમજવાનું છે. ‘અમારે અંગ્રેજી ભણવું છે’ એવું કોઈ જ સોગંદનામું એ લોકો લખીને મને નથી આપવાના. હિન્ટ મળતા મારી સામે બેઠેલા સોળ જેટલા છોકરાઓને સોળે કળાએ  ખીલવવા છે, એવું મેં વિચાર્યું.

હોઈએ ત્યાં મ્હેકતું કરીએ બધુંયે,
ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ


       તેઓને આ લખતા જોઇને મને વિચારો આવ્યા.... 

  • ખાના ગારીને લખતા શીખવી પાછા એ જ ખાનામાંથી બહાર પણ કાઢવાના છે. આમ, ચોકઠામાં પૂરીને પાછા મુક્ત કરવાની પ્રક્રિયા તો રસપ્રદ રહેવાની છે.
  • અત્યારે પંખાની સ્વીચસુધી પહોંચવા ઠેકડા મારતા આ બધા.... પછી પોતે કાગળના બનાવેલા ઝુમ્મરોને છત પર લટકાવશે. આકાશને અડુંઅડું થવા મથતા હોય જાણે..
  • અત્યારે મારો હાથ પકડીને મને રમવા લઇ જતાં આ બધા... અહીંથી જશે ત્યારે તેમનો હાથ મારા પગને સ્પર્શશે.... લાડમાંથી માનમાં પરિવર્તિત થનારી આ અદૃશ્ય પ્રક્રિયામાં મજા તો આવશે...
       નવી નવી સાઈકલ શીખીને સંતાન જ્યારે શરૂઆતમાં શાળાએ સાઈકલ લઇને જાય ત્યારે પપ્પા કેવા સ્કુટરમાં સાથે સાથે મુકવા જાય... ક્યારે બેલેન્સિંગ આવડી જાય એ ખબર પણ ન પડે. કેવા એકલા ચલાવતા થઇ જાય... એમ જ મારે પણ આ બધાનો હાથ પકડીને હળવેકથી છોડાવવાનો પણ છે, પણ એ હાથ પકડવા પહેલા તો મારે જ હાથ લંબાવવાનો છે ! ‘શરૂઆત’ તો મારે જ કરવાની છે.

         આ કોઈ જ સરખામણી નથી, ક્યાંથી ક્યાં પહોંચવાનું છે એનો મારો ખયાલી ગૂગલમેપ જ છે !!

જે મળ્યું એને કરી સૌથી સવાયું
આવનારી કાલને, સોગાત કરીએ!

(આ સમગ્ર લેખમાં લીધેલી પંક્તિઓ કવિ હર્ષ બ્રહ્મભટ્ટની ‘શરૂઆત કરીએ’ ગઝલનાં શેર છે.)

3 comments:

  1. Good job Truptiben Manan buddhdev

    ReplyDelete
  2. ખૂબ સરસ... એક દિવસ અમે પણ અભ્યાસ કરતા તમારી પાસે.. ઘણું બધું શીખ્યા છીએ પણ આજે તમારો સંપર્ક થયો. તમારો બ્લોગ ખૂબ ગમ્યો બધા આર્ટિકલ વાંચ્યા બહુ જ સરસ. કાશ.. હજું તમે ભણાવવા હોત અમને

    ReplyDelete