Thursday, 16 February 2017

અગડમ્ બગડમ્

રેંજણો.. વેંજણો.. પેંજણો.. 

પેંજણો.. વેંજણો.. રેંજણો.. 

          ન સમજાયું ને..? મને પણ ન’તું સમજાયું જયારે ઉપરના શબ્દો મેં કોઈ ગીત સ્વરૂપે સાંભળ્યાં. 

         બન્યું એવું કે એક દિવસ હું શાળાએ જવા અમારા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પહોંચી ત્યારે ત્યાં નીચે રહેતાં નેપાળી પરિવારનો ૮-૯ વર્ષનો એક છોકરો આ શબ્દો ગાઈ રહ્યો હતો. સાંભળવાની મજા આવે તેવું હતું અને ટયુન પણ કંઇક જાણીતી લાગી પણ કંઇ સમજાયું નહિ. મને થયું કે નેપાળી-ગુજરાતી મિક્ષ કંઇક ગાઈ રહ્યો છે. પછી તો આખા રસ્તે અને પ્રાર્થના પૂરી થયા બાદ વર્ગમાં પહોંચી ત્યાં સુધી આ શબ્દો ટયુન સાથે મારાં મનમાં રમ્યાં. 

        વર્ગમાં જઈ હોમવર્ક તપાસ્યું તો વળી બીજા નવા જ અક્ષરોની ટયુન લેખિત સ્વરૂપે મને જોવા મળી. અને એ અક્ષરો એટલે...


         આખો શબ્દ વાંચીએ તો સમજાઈ જાય કે તેઓ શું લખવા માંગે છે. મને થયું કે વાર્તા આખી મૌલિકતાથી લખી નાખતા હોય પરંતુ એમાં જો આવી નવી જ લિપિનો ઉપયોગ કરે તે થોડું unfit લાગે. એક-એકની બુકમાં સુધારીને સાચો શબ્દ ફરીથી લખી તેમનું ધ્યાન દોર્યું. પણ આમ આપણે લાલ પેનથી ચકરડાં મારીએ અને એમનું લખાણ સુધરી જાય તો એ આપણા વિદ્યાર્થીઓ શેનાં..?

        ત્યારબાદ ધોરણ-૬માં હું period લેવા ગઈ. સંસ્કૃત ગિનતી આજે તેઓ બોલવાનાં હતાં. ‘સમુહમાં’ તો તેઓ પણ સરસ બોલ્યાં પરંતુ વ્યક્તિગત ગિનતી બોલાવી ત્યારે “ एकम्, द्वे, त्रिणी ” ને બદલે “ एकम्, बगम्, तगम् ” આવું બોલે. જો કે થોડાં પ્રયત્નો પછી તેઓ શીખી ગયાં.

         શાળા છૂટ્યા બાદ ઘર તરફ જતી વખતે રસ્તામાં મને વિચાર એ આવ્યો કે જે વસ્તુ આપણે શીખવતા જ નથી એવું આ છોકરાં ક્યાંથી શીખી જાય છે...? જે આપણે વાવતા નથી તે ઉગી જાય છે અને જે વાવીએ છીએ તે તો ‘ઉગતું’ જ નથી. 

         રસ્તામાં આગળ જતાં મેં એક દુકાનનું ‘સાઈન બોર્ડ’ અને એક વ્યક્તિનો ‘ચહેરો’ બંને વાંચ્યાં. દુકાન પર “શ્યામલી ચાઇનીઝ” એવું લખ્યું હતું જે વાંચીને મને હસવું આવ્યું કે ‘શ્યામલી’ પણ ચાઇનીઝ.....!!! તેની બાજુમાં જ એક ભાઈ કરમાયેલા ચહેરે તાજાં ફળો વહેંચતો હતો. ખરેખર, સમાજમાં આપણી આજુ-બાજુ રહેલા વ્યક્તિઓના ચહેરાં કરતાં મને આવા લોકોના ચહેરાં વાંચવા વધુ ગમે છે. કેમકે તેમને વાંચવાથી આપણને આપણા અસ્તિત્વનું ભાન અને વ્યવસાય પ્રત્યે આદર થઇ જાય છે.

         ઓછાં વળતરમાં કેટલી મહેનત કરતો હતો એ ભાઈ..!! અને થોડીવાર પહેલાં હું એમ વિચારતી હતી કે “ઊગતું નથી.” મને તો સરકારે કાંઈ ‘ઉગે છે કે નહિ?’ તે અંગે નો નિર્ણય લેવા ક્યાં નોકરી આપી જ છે? મારે તો માત્ર “વાવવાનું” જ છે. આથી ‘ઉગે છે કે નથી ઉગતું’ તે વિચારવાનું છોડી કંઇક ‘વાવવા’નો મેં નિર્ણય કર્યો. 

       હું એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પહોંચી તો પેલો નેપાળી છોકરો અને તેના દ્વારા ઉદ્ભવેલી વણઉકેલી ‘પહેલી’ મારી સમક્ષ આવી. ઘરે આવી અને ફ્રેશ થવા માટે ટી.વી. શરુ કર્યું તો રાજસ્થાન ટુરીઝમની એડમાં આવતી ટ્યુન સંભળાઈ કે જે પેલા છોકરાની ટ્યુનને મળતી હતી અને હું સમજી ગઈ કે એ છોકરો ગુજરાતી-નેપાળી નહી, પરંતુ રાજસ્થાની-નેપાળી મિક્ષ ગાતો હતો. મને મારી સમસ્યાનાં ઉકેલ માટે એક પ્રવૃત્તિ પણ સુઝી ગઈ હતી.

       બીજા દિવસે સવારે શાળાનાં પગથીયા ચડતા જ ત્યાં સામે એક મધપૂડો દેખાયો, તો મને થયું કે, નક્કી શાળામાં કોઈ નવી ગ્રાન્ટ આવશે! લોબીમાં સામે જ આવેલ બોર્ડ પર મેં “आ” લખ્યું. વિદ્યાર્થીઓ ને એક એક ચોક આપી દીધો અને “आ” પરથી શરૂ થતાં શબ્દો લખવાનું કહ્યું અને આમ, ગ્રાંટ આવ્યાં પહેલાં જ ચોકનું બોક્ષ પતાવી દઈને શાળાને ખર્ચ કરાવવાનું મેં શરૂ કરી દીધું. અને પછી તો દરરોજ એ બાળકોનાં જે જે અક્ષરોમાં ભૂલ મને દેખાતી તે જ અક્ષર મેં બોર્ડ પર લખવાનું શરૂ કર્યું. હા.... આ પ્રવૃત્તિ કોઈ જ નવી ન હતી, શિક્ષણમાં થતા અલગ અલગ Innovations કે નવી નવી ઘણી પ્રવૃત્તિઓ જોવા અને જાણવા મળે છે ત્યારે ખૂબ આનંદ થાય પણ સાથે સાથે એવો પણ વિચાર આવે છે કે આ બધું શોધાય ગયા પછી ‘તે’ Innovations નું શું થાય છે ? શું તેનો અમલ પણ થાય છે ખરો ?? મારી સમસ્યાના ઉકેલ માટે મને જે પ્રવૃત્તિ સુઝી, તે જૂની જ હતી પરંતુ તેનાં જે પરિણામો મળ્યાં તે નવાં અને અણધાર્યા જ હતાં.

         મજા તો ત્યારે આવી જ્યારે અમારાં વિશાલે “ ट ” પર થી “ टुगेधर ” લખ્યું. પછી તો બોર્ડ નાનો પડ્યો અને લખનારા વધ્યા. તો નવો નિયમ બન્યો કે, શાળામાં જે વહેલા આવે તે આવીને તરત જ લખી નાખે. વહેલા તે પહેલાંનાં ધોરણે. બીજે દિવસે સવારે અમિત, અંકિત અને અલ્ફાઝ શાળા સમય પહેલાં જ શાળા એ આવી ગયા હતા, ત્રણેય “A” વાળા. મને થયું કે ચાલો “A to Z “ બધા પણ કોક દિવસ નિયમિત આવતા થઇ જશે. આમ, શાળા સમયની બાબતમાં અનિયમિતતાનું પ્રમાણ થોડું ઘટ્યું. પછી તો આ પ્રવૃત્તિ બાળકોની જીજ્ઞાસાને કારણે આગળ વધી. એક અક્ષરને બદલે હું એક શબ્દ લખું અને વિદ્યાર્થીઓ તેને લગતા શબ્દો લખે, જેમ કે, “શાળા” શબ્દ પરથી વર્ગ, શિક્ષક, વિદ્યાર્થી, સમરી(!) વગેરે...

         આ નાની એવી પ્રવૃત્તિ દરમિયાન મને પ્રેરણા પૂરી પાડનાર એક બનાવ બન્યો તે મારે તમને કહેવો છે.....

         આ અમારો ‘યાસીન’. ધોરણ – ૫ માં ભણે. આગળનાં દિવસે “आ“ પરથી કોઈક વિદ્યાર્થીએ “आहट” લખ્યું હતું. તે તેનાં “મગજ”માં હતું અને આથી બીજા દિવસે તે પણ કંઇક લખવા આકર્ષાયો. આ જોઈ મને યાસીન વિશે વધુ જાણવાની ઈચ્છા થઇ તો તેનાં પિતા તેને લેવા આવ્યાં ત્યારે મેં યાસીન વિશે પૂછ્યું. તેમણે કહ્યું કે, ”બેન, યાસીન સાત વર્ષે બોલતો થયો છે! ડોકટરે એમ કિધુ છે કે, તેનામાં વીસ વર્ષે તો બાળક બુદ્ધિ આવશે. આને તમે વ્યવસ્થિત ઉઠતાબેસતા શીખવી દ્યો એટલે ઘણું!” હવે, આ બાબતે વધુ વિચારવા મારી બુદ્ધિતો મંદ પડતી જતી હોય તેવું લાગે છે.

          શાળા છુટ્યા બાદ ઘરે જતા રસ્તામાં એક એપાર્ટમેન્ટનાં પાંચમા માળની ગેલેરીમાંથી એક બહેન દોરડું ખેંચતા હતાં. આપણા દાદી કૂવામાંથી પાણી ખેંચતાને તેમ જ.... પણ ફર્ક એટલો કે આ બહેન જે દોરડું ખેંચતા હતાને એ દોરડાનાં અંતે તો ‘દૂધની કોથળી’ હતી. અગાઉ શોધાય ગયેલી વસ્તુનું કેવું સરસ ઉપયોજન હતું!! આ.. હા.. હા.. જુઓ તો ખરા.. ક્યાંનું વાવેલું ક્યાં ઉગ્યું..!! ભાષાની આ સમગ્ર અગડમ્ બગડમ્ વચ્ચે મને એટલું તો સમજાઈ ગયું કે,

“अमन्त्रमक्षरं नास्ति नास्ति मूलमनौषधम् ।

अयोग्य: पुरूषो नास्ति योजकस्तत्र दुलॅभ:।।“

(મંત્ર ન હોય તેવો એક પણ અક્ષર નથી,

ઔષધ ન હોય તેવું એક પણ મૂળ નથી.

અયોગ્ય હોય તેવો એક પણ પુરૂષ નથી,

તે બાબતનો ‘યોજક’ દુર્લભ હોય છે.)

20 comments:

  1. અભિનંદન. ખૂબ ખૂબ ખૂબ સરસ.

    ReplyDelete
  2. બહુ સરસ..ગમી તમારી નિષ્ઠા..
    લતા હિરાણી

    ReplyDelete
  3. જય હો..... કલમ જામી છે....

    ReplyDelete
  4. "અને થોડીવાર પહેલાં હું એમ વિચારતી હતી કે “ઊગતું નથી.” મને તો સરકારે કાંઈ ‘ઉગે છે કે નહિ?’ તે અંગે નો નિર્ણય લેવા ક્યાં નોકરી આપી જ છે? મારે તો માત્ર “વાવવાનું” જ છે. આથી ‘ઉગે છે કે નથી ઉગતું’ તે વિચારવાનું છોડી કંઇક ‘વાવવા’નો મેં નિર્ણય કર્યો."
    ખૂબ સરસ બહેન, તરણા ઓથે ડુંગર જેવું છે આટલું વિચારીને તમારી જેમ બધા વાવવાનું ચાલુ રાખે તો નક્કી ક્યાંક તો ઉગવાનું જ.

    ReplyDelete
    Replies
    1. આભાર.. ડૂબતાને તરણું કાફી

      Delete
  5. Chalo koik nu jivn prajvalit karva mate ek hath aagal lambavie

    ReplyDelete
  6. આપની આ આગડમ્ બગડ્મ ઓશોના જીબ્રીશ ધ્યાનની અનુભૂતી કરાવી ગયુ , જયહો , ખુબ સરસ લખ્યું છં , સ્પર્શી પણ ગયુ હો

    ReplyDelete